બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (21:04 IST)

બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ-૯ થી ૧૨ની પ્રથમ છ માસિક કસોટી મરજિયાત કરાઇ : શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે, બોર્ડ ધ્વારા લેવાનાર ધોરણ-૯ થી ૧૨ની પ્રથમ છ માસિક કસોટી રાજ્ય સરકાર દ્વારા મરજિયાત કરવામાં આવી છે. આજે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રતિનિધિઓ સાથે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી અને રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાની સૂચનાથી શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં મહામંડળ દ્વારા કરાયેલ રજૂઆતો સંદર્ભે સવિસ્તૃત ચર્ચા-વિચારણા કરી આ નિર્ણય કરાયો છે. 
 
મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઉમેર્યુ કે, ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ માટે રાજ્યભરમાં બોર્ડ દ્વારા પરીક્ષાઓનું આયોજન કરવામાં આવતું હોય છે તેવા સંજોગોમાં ધોરણ ૯ થી ૧૨ની પરીક્ષાઓ બોર્ડ દ્વારા યોજવી વહીવટી રીતે મુશ્કેલ અને ગુપ્તતા જાળવવામાં પણ મુશ્કેલીઓ  ઉભી થવાના પ્રશ્નો રહે છે. એટલા માટે આ નિર્ણય કરાયો છે. 
ગ્રામ્ય, તાલુકા અને શહેરી વિસ્તારમાં કોવિડની પરિસ્થિતીમાં કોર્સ ચલાવવામાં આગળ પાછળ થયુ છે. ત્યારે કોર્સમાં વિસંગતતાના પ્રશ્નો હોઇ આ પરીક્ષા  યોજવી  મુશ્કેલરૂપ છે.  તેમજ સરકારી, ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં વિદ્યાર્થીઓની ક્ષમતા પણ અલગ અલગ હોય છે. 
 
ઉપરાંત સ્વનિર્ભર શાળાઓ પોતાનીરીતે કાર્ય અને અભ્યાસ નિશ્ચિત કરે છે ત્યારે બોર્ડના રિઝલ્ટ સારા આપી શકાય છે. આ રીતે સમગ્રશિક્ષણ પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય એકસરખું ન હોઇ વિદ્યાર્થીઓને નૂકસાન થવાની પણ સંભાવના હોય છે. તેથી બોર્ડ દ્વારા આવી પરીક્ષાઓ યોજવી હિતાવહ નથી તેમ તેમણે ઉમેર્યુ હતુ.
 
આ બેઠકમાં મહામંડળના પ્રમુખ સેવક ભરતભાઇ ગાજીપરા, મહામંત્રી રાજેશભાઇ નાકરાણી સહિત મંડળના પદાધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.