બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (18:34 IST)

ગાંધીનગર મનપામાં મેયર કોણ ? બે નામોની ચર્ચાઑએ જોર પકડયું

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે ઐતિહાસીક જીત હાંસલ કરી કોર્પોરેશનમાં પણ ભગવો લહેરાવી દીધો છે. ગાંધીનગર મનપામાં ભાજપને હાથે જતાંની સાથે જ હવે મનપાની કમાન ભાજપ કોને સોંપશે તેણે લઈને ચર્ચાઑએ જોર પકડયું છે. ત્યારે અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિનાં ઉમેદવાર પર મેયર પદનો કળશ ઢોળાશે. મેયર પદની રેસમાં દસાડાનાં પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા પુત્ર હિતેશ મકવાણા તેમજ વોર્ડ - 4 નાં ઉમેદવાર દીક્ષિત ભરતભાઈ શંકરભાઈને પ્રબળ દાવેદાર ગણવામા આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ધોબી પછડાટ આપ્યા પછી ભાજપે કોર્પોરેશનમાં પણ કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાખી કોંગ્રેસનાં અસ્તિત્વ પર સવાલ ઊભો કરી દીધો છે.  
 
સી આર પાટીલ આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી ગત મહાનગરપાલિકા અને પંચાયતના પ્રમુખના નામો ચોંકાવનારા હતા. અચાનક જ સામાન્ય કાર્યકર્તાઑને પણ મેયર પદે બેસાડી દેવામાં આવ્યા હતા જેમાં અમદાવાદના મેયર કિરીટ પરમારનું નામ લઈ શકાય, પણ રાજનીતિમાં કઈ અચાનક નથી હોતું બધાય સમજી વિચારીને નિર્ણય લેવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના મેયરના નામ અંગે પણ ચર્ચા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં હાલ તો ગાંધીનગર મનપા વોર્ડ 8ના હિતેશ મકવાણાનું નામ આગળ ચાલી રહ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન તરીકે વોર્ડ-10માંથી જીતીને આવેલા મહેન્દ્ર પટેલ બેસાડાઈ શકે છે. ત્યારે આવનાર સમયમાં વધુ ચિત્ર સ્પષ્ટ થતાં રહેશે અનુમાન મુજબ બે દિવસમાં નવરાત્રીના શુભ અવસરે જ ગાંધીનગરને નવા મેયર મળી શકે છે. 
 
મેયરની નિમણૂક કર્યા પછી ઉચ્ચ કક્ષાએથી ડેપ્યુટી મેયરનું નામ નક્કી કરવામાં આવશે. જે બાદમાં સ્ટેન્ડીંગ સભ્યોની કમિટી બનાવવામાં આવશે. જે સભ્યો ધ્વારા સ્ટેન્ડીંગ ચેરમેનનાં નામનો પ્રસ્તાવ રાખવામાં આવશે. જેને ચુંટાયેલા કાઉન્સિલરો દ્વારા માન્ય રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનમાં ભાજપમાં પક્ષના નેતા તેમજ દંડક ની ખાલી પડેલી જગ્યા પણ ભરવામાં આવે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.