ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 એપ્રિલ 2017 (13:17 IST)

બેરોજગારોને રોજગારી ભથ્થું આપવાનું વચન નિભાવવામાં ભાજપ નિષ્ફળ

મહોત્સવો પાછળ કરોડો રૃપિયાનો ધૂમાડો કરતી ભાજપ સરકાર નાગરિકોના પાયાના પ્રશ્નો ઉકેલવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. આ જ કારણ છે કે ગુજરાતમાં આજે ૧૬ લાખ નોંધાયેલા, ૪૦ લાખ નહીં નોંધાયેલા યુવાનો શિક્ષિત હોવા છતાં બેરોજગાર છે તેવો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ૧૯૮૮માં  રોજગાર અધિકાર સંઘના નેજા હેઠળ ભાજપે રૃપાળા વચનો આપ્યા હતા. પરંતુ ભાજપ સરકાર તેની આદત અનુસાર સત્તામાં આવ્યાના ૨૦ વર્ષ બાદ પણ તેનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે તેમ ગુજરાત કોંગ્રેસે ઉમેર્યું છે.

રાજ્યમાં ૫૦ લાખ યુવાનોને રોજગારી અથવા બેરોજગાર ભથ્થું આપવાની માગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે 'ભાજપ દ્વારા રોજગાર અધિકાર સંઘના નામે ૧૯૮૮માં પ્રત્યેક યુવાન પાસેથી એક રૃપિયા લેખે સભ્યપદના નામે રોજગાર આંદોલન પેેટે લાખો રૃપિયા એકત્ર કર્યા હતા. તે સમયે બેરોજગાર યુવાનોને ૪૫૦ રૃપિયા બેકારી ભથ્થું, ગ્રામ્ય વિસ્તારમાં લઘુતમ વેતનના ધોરણે ૨૫૦ દિવસ રોજગારી, એકવાર બેરોજગાર તરીકે નોંધણી કરાવ્યા બાદ વયમર્યાદામાં સંપૂર્ણ છૂટછાટ, ગુજરાતમાં એમ્પલોયમેન્ટ ગેરન્ટી સ્કિમ શરૃ કરવી જેવા રૃપાળા વચનો આપવામાં આવ્યા હતા. હવે ભાજપ સરકાર ૨૦ કરતા વધુ વર્ષથી સત્તામાં છે પણ પોતાનું જ વચન તે જાણીજોઇને ભૂલી ચૂકી છે. લાખો રૃપિયા શિક્ષણ પાછળ ખર્ચવા છતાં યુવાનોને નોકરી મળે તેના માટે રાજ્ય સરકાર કોઇ નક્કર પગલા લઇ રહી નથી. રાજ્ય સરકારે ૨૦૦૩-૦૪માં જાહેર કર્યું હતું કે લઘુઉદ્યોગ ક્ષેત્રમાં ૧૮૪૫૫, ૨૦૦૫-૦૬માં ૭૯૦૪૦, ૨૦૦૬-૦૭માં ૧.૨૦ લાખ, ૨૦૦૭-૦૮માં વાઇબ્રન્ટના પરિણામે ૧૩.૨૫ લાખ, ૨૦૦૮-૦૯માં ૨૧ લાખ અને ૨૦૦૯-૧૦માં ૨૫ લાખ  વ્યક્તિઓને રોજગારીની તક મળશે તેવો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આમ, કુલ ૬૧.૨૪ લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે તેવો દાવો ભલે સરકાર દ્વારા કરાયો હોય પણ તેનું પાલન કરાયું નથી. જેના કારણે જ ગુજરાતના તમામ સમાજના યુવાનોને રોજગારી માટે આંદોલન કરવું પડે છે.