રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 11 એપ્રિલ 2022 (02:17 IST)

શહબાઝ શરીફ : પાકિસ્તાનના નવા PMના દાવેદાર વિશે કેટલું જાણો છો?

pakistan
તમે બધાં જ ફૂલોને તોડી શકો છો, પણ વસંતને આવતા રોકી શકતા નથી"
 
ઇમરાન ખાન સૌથી મોટા રાજકીય સંકટનો સામનો કરી રહ્યા હતા ત્યારે વિપક્ષના નેતા શહબાઝ શરીફે પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલી આ ઉક્તિ કહી હતી.
 
ઇમરાન ખાનનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગ્યું હતું. તેમણે પોતાની સત્તા બચાવવાની હતી, પણ બચાવી શક્યા નહીં. હવે તેમની જગ્યાએ પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે શહબાઝ શરીફ બેસી શકે છે.
 
ફૂલોની અને વસંત આવવાની વાત કદાચ આવી જ આશાથી શરીફ કરી રહ્યા હતા.
 
શહબાઝ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ છે. ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા હતા અને જેલમાંથી છૂટ્યા પછી નવાઝ શરીફ વિદેશમાં જ છે. વિદેશમાં તેમની સારવાર ચાલી રહી છે.
 
નવાઝ શરીફની સરકારને હરાવીને જ ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા હતા.
 
પાકિસ્તાનની સત્તા સંભાળવાની અગાઉ પણ તક મળી હતી, પરંતુ શહબાઝ શરીફે મોટા ભાઈ નવાઝને જ હંમેશાં આગળ રાખ્યા હતા. શહબાઝ પજાબ પ્રાંતના મુખ્ય મંત્રી તરીકે લાંબો સમય રહ્યા છે અને તે પછી દેશની નેશનલ ઍસેમ્બલીમાં વિપક્ષના નેતા બન્યા ત્યાં સુધીની તેમની સફર ઘણી રસપ્રદ છે.
 
શહબાઝ શરીફ પોતાનાં ભાષણો અને સભાઓમાં ઘણી વાર ક્રાંતિકારી શાયરીઓ સંભળાવે છે. જાહેરમાં બોલતી વખતે ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની જેમ માઇક પછાડી દેવાની નકલ પણ કરે છે. આ વાતને કારણે જ પાકિસ્તાનની ટીવી ચેનલોમાં તેમની મજાક પણ ઉડાવવામાં આવે છે.
 
વેપારી પરિવારમાં જન્મ
 
શહબાઝ શરીફનો જન્મ પાકિસ્તાનના પ્રતિષ્ઠિત વેપારી પરિવારમાં થયો હતો. ડેલી ટાઇમ્સની વેબસાઇટના જણાવ્યા અનુસાર શહબાઝ શરીફ કાશ્મીરી મૂળના પંજાબી છે. તેઓ જમ્મુ-કાશ્મીરની મિયાં કબિલાના છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર શરીફ પરિવાર કાશ્મીરના અનંતનાગમાં રહેતો હતો અને વેપાર કરવા માટે અમૃતસર નજીક ઉમરા ગામમાં રહેવા આવ્યો હતો.
 
બાદમાં આ પરિવાર અમૃતસરથી લાહોર પહોંચ્યો હતો. શહબાઝ શરીફનાં માતાનો પરિવાર પણ મૂળ કાશ્મીરના પુલવામાનો છે.
 
શહબાઝ શરીફે કૉલેજ પૂરી કર્યા પછી પાકિસ્તાનમાં 'ઇત્તેફાક ગ્રૂપ' નામે પોતાનો કારોબાર આગળ વધાર્યો અને તેને ખૂબ સફળ બનાવ્યું. મૂળ તેમના પિતા મોહમ્મદ શરીફે ઉદ્યોગગૃહની સ્થાપના કરી હતી, જેને તેમણે આગળ વધાર્યું હતું.
 
ડૉન વેબસાઇટના જણાવ્યા અનુસાર 'ઇત્તેફાક ગ્રૂપ' પાકિસ્તાનનું સૌથી મોટું ઉદ્યોગગૃહ બની ગયું છે. પોલાદ, ખાંડ, વસ્ત્રો, બોર્ડ વગેરે ક્ષેત્રમાં તેમની કંપનીઓ છે, જેના સહમાલિક તરીકે શહબાઝ છે.
 
બીબીસી સાથેની વાતચીતમાં પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક સુહૈલ વરેચ કહે છે, "શહબાઝ શરીફ જન્મ બહુ જાણીતા પરિવારમાં થયો હતો. શરૂઆતમાં તેઓ મોટા ભાઈ નવાઝ શરીફને કામકાજમાં મદદ કરતા હતા. બાદમાં ભાઈની મદદથી જ તેમણે રાજકારણમાં પ્રવેશ મેળવ્યો હતો."
 
રાજકારણમાં પ્રવેશ
શહબાઝ શરીફને 1985માં લાહોર ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમની રાજકીય સફરની શરૂઆત 1988માં થઈ અને પંજાબ વિધાનસભામાં તેઓ પહોંચ્યા.
 
જોકે વિધાનસભા ભંગ થઈ ગઈ એટલે ધારાસભ્ય તરીકે તેમનો કાર્યકાળ પૂરો થયો નહોતો.
 
ત્યાર બાદ શહબાઝ શરીફે રાષ્ટ્રીય રાજકારણમાં પણ પ્રવેશ કર્યો. સન 1990માં તેઓ પાકિસ્તાનની સંસદ એટલે નેશનલ ઍસેમ્બલીમાં ચૂંટાયા હતા. તે વખતે નવાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન હતા.
 
નવાઝ જેટલો સમય વડા પ્રધાન તરીકે રહ્યા એટલો સમય તેઓ પણ સાંસદ તરીકે રહ્યા હતા.
 
સેનાનું દબાણ વધવા લાગ્યું હતું અને તેના કારણે 1993માં નવાઝ શરીફને વડા પ્રધાનપદ છોડવું પડ્યું. તે વર્ષે શહબાઝ શરીફ પંજાબ વિધાનસભામાં પહોંચ્યા અને 1996 સુધી વિપક્ષના નેતા તરીકે ત્યાં રહ્યા.
 
1997માં તેઓ ત્રીજી વાર પંજાબ વિધાનસભાની ચૂંટણી જીત્યા અને આ વખતે મુખ્ય મંત્રી બન્યા.
 
સેનાએ સત્તા ઊથલાવી નાખી ત્યારે ધરપકડ થઈ
 
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ સાથે તેમના ભાઈ શહબાઝ શરીફ
 
શહબાઝ શરીફ પંજાબના મુખ્ય મંત્રી તરીકે બે વર્ષ રહ્યા તે પછી સેનાએ પાકિસ્તાનમાં ફરી સત્તા ઊથલાવી નાખી અને સરકારને હટાવી દીધી.
 
બે જ વર્ષમાં શહબાઝે ખુરશી ગુમાવવી પડી. 12 ઑક્ટોબર 1999ના રોજ જનરલ પરવેઝ મુશર્રફે ચૂંટાયેલી સરકારને હટાવીને સત્તા કબજે કરી લીધી હતી.
 
સત્તા પરથી હટાવ્યા બાદ શહબાઝ શરીફની ધરપકડ પણ કરી લેવામાં આવી.
 
એપ્રિલ 2000માં તેમના મોટા ભાઈ નવાઝ શરીફને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. જનરલ મુશર્રફના વિમાનનું અપહરણ કરીને તથા આતંકવાદને ઉત્તેજન આપવાના આરોપ સાથે નવાઝ પર ખટલો ચલાવવામાં આવ્યો હતો.
 
આઠ મહિના પછી પાકિસ્તાનની લશ્કરી સરકારે નવાઝ શરીફને માફી આપી અને એક કહેવાતી સમજૂતી અનુસાર તેમના પરિવારના 40 લોકો સાથે તેમને સાઉદી અરેબિયા મોકલી દેવાયા. આ 40 સભ્યોના પરિવારમાં નાના ભાઈ શહબાઝ શરીફ પણ હતા.
 
રૉઇટર્સ સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં પ્રવેશ કરવાથી ફરીથી પોતાની ધરપકડ થશે તેવું જોખમ હોવા છતાં 2004માં તેઓ અબુ ધાબીથી વિમાનમાં બેસીને લાહોર આવ્યા હતા. જોકે થોડા જ કલાકમાં તેમને ફરીથી સાઉદી અરેબિયા મોકલી દેવામાં આવ્યા.