બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (11:18 IST)

વિધાત્રીએ વિધિ (જાદવ) ના વિધિ (નસીબ) ના લેખમાં દેશ રક્ષક સૈનિકો અને તેમના પરિવારની સેવા લખી હશે....!!!

કહે છે કે વિધિના લેખ મિથ્યા નથી થતાં.અને લાગે છે કે વિધાત્રી (destiny) આ વિધિ (જાદવ) ના વિધિના લેખ(નસીબ) માં દેશની સેવા કરતા અને દેશના સીમાડા સાચવતા શૂરવીર સૈનિકો અને તેમના પરિવારો માટે સ્નેહ ભાવ અને સેવા લખી છે.
 
સ્વભાવની સાવ સીધી અને માયાળુ આ વિધિએ અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારો ની મુલાકાત લીધી છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે.
 
એનો પોતાનો પરિવાર કંઈ માલેતુજાર નથી. મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો એનો પરિવાર છે.પરંતુ ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતો.
તાજેતરમાં જ એક અનોખી ઘટના ઘટી છે.વિધિએ રાખડી પૂનમના પર્વે દેશની સીમાઓ પર ઘરબાર અને બહેનની મમતાનો મોહ ત્યાગીને અવિરત અને અઘરી ફરજો બજાવતા સૈનિકો સુધી રાખડીઓ લઈને પહોંચવાનું અને તેમની સાથે રક્ષા બંધન મનાવવાનું નક્કી કર્યું અને તેની સૈનિક સમ્માન પ્રવૃત્તિઓનો ઉજળો રેકોર્ડ જોઈને શિસ્તબદ્ધ સેનાધિકારીઓએ તેને છેક સરહદના છેલ્લા પિલર સુધી જઈને,પાકિસ્તાની ચોકીઓ જ્યાં થી નરી આંખે દેખાતી હોય એવી સુરક્ષા ચોકીએ પહોંચીને સૈનિકોને રાખડી બાંધવાની વિશેષ મંજૂરી આપી છે.
 
વિધિ જાદવ તા.૨૧,૨૨ ઓગસ્ટ - ૨૦૨૧ ના રોજ કચ્છ સરહદે આવેલ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર (સરક્રીક વિસ્તાર) પર ફરજ બજાવતા ભારતીય સેનાના જવાનો સાથે ભાઈ બહેનના પવિત્ર એવા રક્ષાબંધનનું પર્વ મનાવશે.તા.૨૧ ના રોજ વીઘાકોટ બોર્ડરે જવાનોને રાખી બાંધી વીઘાકોટ કિલ્લાની મુલાકાત લઈ જવાનો સાથે દિવસ ગુજારશે. ત્યારબાદ ૧૯૬૫ ના ભારત પાકિસ્તાન યુધ્ધની યાદગીરીમાં બી.એસ.એફ ના વોર મેમોરિયલની મુલાકાત લઈ ત્યાં પણ જવાનોને રાખી બાંધશે.તા.૨૨ રક્ષાબંધન દિવસે આપણા દેશની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના સૌથી છેલ્લા પિલ્લરની મુલાકાત લેશે.
 
આ વિસ્તાર કાદવ કીચડ વાળો છે જ્યાં આર્મીના ખાસ વાહન ધ્વારા જઈ શકાય છે.આ સ્થળે નાગરિકોને જવાની મનાઈ છે જેથી આ વિસ્તારમાં જવાની મંજૂરી તેને આપવામાં આવી છે, ત્યાં આપણાં જવાનોને રાખી બાંધશે. ત્યારબાદ લખપત પાસે આવેલ ગુનેરી બોર્ડર પોસ્ટ ખાતેના જવાનોને રાખી બાંધશે.આ કામે વિધિને બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા તમામ મંજૂરી આપવામાં આવી છે, જ્યાં બે દિવસ રોકાશે અને આપણા દેશના સૈનિકો સાથે રક્ષાબંધન પર્વ મનાવશે.
 
વિધિ દેશમાં કોઈપણ સૈનિક શહીદ થાય ત્યારે તેનો પરિવારને આશ્વાસન પત્ર લખી રૂા. પાંચ હજાર મોકલી આપે છે. અત્યાર સુધી આવા ૨૯૫ શહીદ સૈનિકોના પરિવારને વિધિએ રૂ.૫૦૦૦ હજાર અને પત્રો લખી મોકલ્યા છે.
 
જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલામાં શહીદ થયેલ ૪૦ જવાનોના તમામ પરિવારને પત્ર લખી, દરેક પરિવારને રૂા.૧૧ હજાર મોકલી તેઓ સાથે ટેલીફોનીક સંપર્ક કરી વાતચીત કરી છે .આમ કુલ ૨૯૫ શહીદ સૈનિકના પરિવારોને આર્થિક મદદ કરી છે.તેમજ આ તમામ શહીદ પરિવાર સાથે રોજે રોજ ફોન કે વોટસએપ દ્વારા વાતચીત કરી તેમના ખબર અંતર પૂછે છે . તેમના નાના બાળકો સાથે પણ વાતચીત કરે છે . આ શહીદ પરિવારો પૈકી તેણે ૧૧૨ થી વધુ પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી છે.ઉરી ખાતે થયેલ હુમલાના તમામ શહીદ પરિવારોની વિધિ જાદવ રૂબરૂ મુલાકાત લઈ ચુકી છે.આ શહિદ પરિવારોમાંથી ૧૦ શહિદ પરિવારોએ તેના નડિયાદના ઘરની મુલાકાત પણ લીધી છે.
 
વિધિએ અત્યાર સુધીમાં જુદા જુદા રાજયોમાં ૧૦ શહીદોની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી છે. વિધિ અત્યાર સુધી ગુજરાત - રાજસ્થાનની કુલ -૪ બોર્ડરોની મુલાકાત તહેવારો દરમ્યાન લઈ ચુકી છે.એટલું જ નહી પરા વિસ્તારની ૭૦ શાળાઓની મુલાકાત લઈ તમામ વિધાર્થીઓને સ્ટેશનરી , પાઉચ ,સાબુ ,ચોકલેટનું વિતરણ કર્યું છે અને આવી શાળાઓમાંથી ૪૫ જેટલા વિધાર્થીઓ કે જેને પોતાના માતા પિતા ગુમાવ્યા છે અને અતિ ગરીબ છે તેઓને દર દિવાળી નવરાત્રીમાં અનાજની કિટ સાથે દર વર્ષે રૂ.એક હજાર આપે છે.
 
વિધિએ વર્ષ ૨૦૧૮ માં વિશ્વ શાંતિ દિને યુનાઈટેડ નેશન્સ સહિત વિશ્વના બાવન દેશોના રાષ્ટ્રપતિ - વડાપ્રધાનને વિશ્વમાં શાંતિ રાખવા અંગેના પત્રો મોકલ્યા હતા.જેના અનુસંધાને વિવિધ રાષ્ટ્રોએ વિધિને અભિનંદન પત્રો મોકલ્યા છે. વિધિએ કોવિડ-૧૯ મહામારીમાં સી.એમ. ફંડમાં રૂા.૫૧ હજારનો ચેક ખેડા કલેકટરને ગત વર્ષે અર્પણ કર્યો હતો. મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિધિ જાદવને રાજ્ય યુથ એવોર્ડથી પણ નવાજી છે.
 
દુનિયામાં પોતાના હોય તેના પ્રત્યે આદર, લાગણી અને સંવેદના તો સૌને હોય,પરંતુ જેમની સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ છતાં તેમના હિત અને કલ્યાણ માટે પ્રયત્નશીલ હોય તેવા માનવો જ માનવ ગરિમાનું સાચું માધ્યમ બનતા હોય છે. સો સો સલામ છે,નડિયાદની આ દીકરીને...