બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 સપ્ટેમ્બર 2020 (16:03 IST)

હવે આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની નદીઓમાં હોવરક્રાફ્ટ અને જહાજો ફરશે

ગુજરાતની બારમાસી નદીઓમાં હવે જળમાર્ગ બનાવાનો નવો પ્રોજેકટ હાલમાં વિચારણાધિન છે. આમાં સાબરમતી રિવરફ્રન્ટનો પણ મુસાફરીમાં ઉપયોગ કરી શકાશે. આ માટેનો પાયલોટ પ્રોજેકટ પણ મેરીટાઇમ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારે કેન્દ્રના આદેશ પ્રમાણે, સી-પ્લેનના પ્રોજેક્ટ પછી હવે નદીઓમાં જળમાર્ગ શરૂ કરવાની વિચારણા શરૂ કરી છે. રાજ્યમાં પહેલો સી-પ્લેનનો પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી રહેશે, જેનું ઉદઘાટન 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. હવે આ જ રીતે નદીઓમાં પરિવહનની યોજના શરૂ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતની મુખ્ય નદીઓ સહિત ગુજરાતની પાંચ નદીમાં જળ પરિવહન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. પરિણામે, હવે હાઇવેની જેમ નદીમાં મુસાફરી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે, જેથી માર્ગો પરનો ટ્રાફિક ઘટી શકે છે. ગુજરાત સરકારે પણ રિવર ઇન્ટર લિંક-અપ પ્રોજેક્ટ હેઠળ જળમાર્ગ બનાવવાનું નક્કી કર્યું છે. સંસદમાં ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રમોશન એક્ટ પસાર થયા પછી ગુજરાતમાં નર્મદા, તાપી, અંબિકા, ઓરંગા અને પૂર્ણાં સહિતની બારમાસી નદીઓમાં પેસેન્જર અને માલવાહક જહાજો ચલાવવાનો આ પાયલોટ પ્રોજેક્ટ ગુજરાત મેરીટાઇમ બોર્ડે તૈયાર કરાવ્યો છે. આ નદીઓમાં સાબરમતી નદીને પણ સામેલ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ નદીમાં રિવરફ્રન્ટને મુખ્ય ધરી બનાવવામાં આવી છે. બંદર વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ, ’ગુજરાતમાં જેમ બંદરો, એસટી ડેપોના બસ સ્ટેન્ડ, ટોલ રોડ, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ- પીપીપી અને બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર એટલે કે BOT સિસ્ટમથી ડેવલપ કરવામાં આવ્યાં છે એ જ રીતે નદીઓમાં હોવરક્રાફ્ટ અને જહાજનું ટ્રાન્સપોર્ટેશન શરૂ કરાશે. આ અંગે વિભાગ તરફથી એની દરખાસ્ત પણ નાણાં વિભાગને મોકલી આપવામાં આવી છે. નદીઓના જળમાર્ગોને નર્મદા કેનાલના નેટવર્ક સાથે પણ જોડી શકાય તેમ છે. કલ્પસર પ્રોજેક્ટથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત નજીક આવશે. આ બન્ને ક્ષેત્રોની કનેક્ટિવિટીથી જમીન અને રેલમાર્ગ પરનું ભારણ ઘટશે. તેના માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ નવેસરથી પ્રીફિઝિબિલિટી રિપોર્ટ પણ બનાવશે.