શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 સપ્ટેમ્બર 2020 (10:24 IST)

ગુજરાત બે ભાગમાં વહેંચાઈ જશે : એક અમીરનું ગુજરાત અને એક ગરીબનું ગુજરાત

વિધાનસભામાં રજૂ કરેલ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયકથી મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માલામાલ થશે અને ભોળા ખેડૂતો ખેતમજુર બનશે એવી ચિંતા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વ્‍યક્‍તિ કરી હતી અને બિલનો વિરોધ કર્યો હતો.
 
વિરોધપક્ષના નેતાએ જણાવ્‍યું હતું કે, ગુજરાત ક્‍યારેક ઔદ્યોગિક ક્ષેત્રે નં. 1 અને 2ની સ્‍પર્ધા કરતું હતું. આજે સતત અને સળંગ ભાજપના શાસનમાં રાજ્‍યની તિજોરીમાંથી કરોડો રૂપિયા ખર્ચીને વાયબ્રન્‍ટ મહોત્‍સવના નામે વિદેશી રોકાણકારોને લાલજાજમ બિછાવી આવકાર્યા પછી રાજ્‍યની સરકારી ખરાબા, પડતર અને ગૌચર સહિતની કરોડો ચો.મી. જમીનો પાણીના ભાવે આપીને અનેક સુવિધાઓ આપી હોવા છતાં આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે છઠ્ઠા-સાતમા ક્રમે ધકેલાઈ ગયું છે.
 
સરકાર જે સુધારા લાવી છે તેમાં જમીન ખરીદવાનો આશય ઓછો છે. સરકાર અને ખેડૂતો પાસેથી સસ્‍તા ભાવે જમીન પડાવી લેનારા મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને વેચવાની સુવિધા આપવા માટે દરવાજો ખોલવાનો સરકારનો પ્રયાસ છે. આવા લોકોને સરકાર નફાખોરી કરવાનો પીળો પરવાનો આપી રહી છે. ગુજરાતના વિકાસ માટે ઉદ્યોગો આવે એ જરૂરી છે. કોંગ્રેસ પક્ષ પણ એમાં સંમત છે પરંતુ ખેડૂતોના ભોગે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાનો અમે વિરોધ કરીએ છીએ.
 
રાજ્‍યમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ-1948, ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ અને કચ્‍છ અધિનિયમ) 1958, સૌરાષ્‍ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ ખેતીની જમીન વટહુકમ-1950 હાલ અમલમાં છે. જેમાં વર્ષ 1997માં ભાજપ સરકારે અમુક સુધારાઓ કરતા ખેડૂતોના અધિકારો, ગ્રીન રેવોલ્‍યુશનના સપનાને ક્‍યાંય કમજોર પાડીને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને મદદ કરવાની યોજના બની ગઈ છે. 
 
આ સુધારા મુજબ રાજ્‍યની કોઈપણ બિનખેડુત વ્‍યક્‍તિ ઔદ્યોગિક હેતુ માટે 10 હેક્‍ટરની મર્યાદામાં જમીન ખરીદી શકે છે. પ્રવર્તમાન નિયમો મુજબ કોઈપણ ઉદ્યોગપતિ 10 વર્ષમાં ઉદ્યોગ શરૂ કરવામાં નિષ્‍ફળ જાય તો એવી જમીનો સરકાર હસ્‍તક લેવાની જોગવાઈ હતી પણ આ કાયદાની 10 વર્ષની મર્યાદાને હટાવવામાં આવી છે. ભૂતકાળમાં ખેડૂત પાસેથી જમીન ઝુંટવાઈ જાય તો તેને પરત મેળવવાનો અધિકાર હતો, એ અધિકાર હવે છીનવાઈ ગયો છે. 
 
નવા કાયદાથી ઔદ્યોગિક એકમો માટે જમીન ખરીદનારાને તથા જમીન વેચાણ કરવા માટેના નિયમો હળવા કરીને રાજ્‍યના વિકાસ માટે રાજ્‍યની સંપત્તિ ઉદ્યોગપતિઓના ખોળે ધરી દીધી છે. આવી સંપત્તિઓ બજારભાવ વધશે ત્‍યારે નફાખોરી કરીને નજીવું પ્રિમિયમ ભરીને બજારમાં ઉંચા ભાવે જમીન વેચવાનો પીળો પરવાનો ઉદ્યોગપતિઓને મળવાનો છે. 
 
આનાથી અમીર લોકો સરળતાથી જમીન પ્રાપ્‍ત કરી શકશે, જેથી અમીર માણસ વધુ અમીર બનશે અને ખેડૂત ખેતમજુર બની જશે. અસમાન સંપત્તિની વહેંચણીથી નબળો વર્ગ ફરી સંપત્તિ વિહોણો થઈ જશે. સ્‍વ. ઈન્‍દિરા ગાંધીજીએ વાવે એવી જમીનનો કાયદો આપીને મજુરોને ખેડૂત બનાવ્‍યા હતા. આજે ભાજપ સરકાર ખેડૂતોને ફરી ખેતમજુર બનાવશે.
 
રાજ્‍યમાં ઉદ્યોગોને ફાળવવામાં આવેલ જમીન 10 વર્ષ પછી જો એનો હેતુ સિદ્ધ ન થયો હોય તો આ જમીન પરત મેળવવાનો રાજ્‍ય સરકારનો અધિકાર છે. આ પાણીના ભાવે ખોળે ધરેલી જમીનોને જીવનપર્યંત માલિકીનો દરવાજો ખોલવાના ઈરાદાથી આ બિલ આવ્‍યું છે એટલે તેની સાથે સંમત ન થઈ શકાય. ભૂતકાળમાં કોઈ ખેડૂતને એક એકર લાગુ જમીન જોઈતી હોય, કોઈને કૂવા માટે બે ગુંઠા જમીન જોઈતી હોય તો સરકાર આપતી હતી. કોઈ ગરીબને રહેવા માટે છત ન હોય તો એને રહેવા માટે 100 ચો.વા.નો પ્‍લોટ આપતા હતા. 
 
આદિવાસી ભાઈ હોય, ગરીબ અને બક્ષીપંચ સમાજનો હોય એના જીવન નિર્વાહ માટે કોઈ આપણી સરહદનો જવાન હોય એને સાંથણીમાં જમીન આપવાની જોગવાઈ હતી. વિતેલા વર્ષોમાં ભાજપ સરકારે ગરીબ, દલિત, પછાત, આદિવાસી અને દેશની સરહદોની સલામતી કરનારા સૈનિકોને સાંથણીની જમીન આપી નથી. આવા લોકોના અધિકારની જમીન ટોકન ભાવે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને આપી એને માલામાલ કરવાની વૃત્તિમાંથી ભાજપ સરકાર બહાર નહીં આવે તો ગુજરાત બે ભાગમાં વહેંચાઈ જવાનું છે : એક અમીરનું ગુજરાત અને એક ગરીબનું ગુજરાત.
 
પરેશ ધાનાણીએ પંક્‍તિ ટાંકતાં જણાવ્‍યું હતું કે, ‘‘ગરીબોને ચૂલે છે તેલનું ટીપું દોહ્‌યલું અને અમીરોની મજાર ઉપર ઘીના દીવા થાય છે'' અને ભાજપ સરકાર અમીરોની મજાર ઉપર ઘીના દીવા કરવાની વૃત્તિ બંધ કરે તેવી માંગણી પરેશ ધાનાણીએ કરી હતી.