સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 નવેમ્બર 2017 (11:55 IST)

શું છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની સીટોનો ચિતાર, કોને મળશે સ્થાન કોનું કપાશે પત્તુ

ભાજપના પરંપરાગત ગઢ એવા સવા લાખ પાટીદાર અને પિસ્તાળીસ હજાર ઠાકોર મતદારોની નોંધપાત્ર સંખ્યા ધરાવતા અમદાવાદ ગ્રામ્યના મતવિસ્તારની મોટી કમનસીબી એ રહી છે કે ૧૯૭૫ પછી ક્યારેય લેઉવા પટેલને પ્રતિનિધિત્વ મળ્યું નથી. સવા લાખ પાટીદારોમાં ૧.૧૦ લાખ લેઉવા પટેલ મતદારો છતાં ૧૯૮૦થી સતત કડવા પટેલનો જ વિજય થતો આવ્યો છે એટલે આ વખતે સ્થાનિક લેઉવા પટેલ ચહેરાને જ ટિકિટ મળવી જોઇએ એવી માગણી ભાજપમાં બળવત્તર બની છે. ભાજપ કેટલાક અંશે આ મુદ્દાને વિચારણામાં લઇ શકે છે. સ્થાનિકોનું કહેવું છે કે નવા સીમાંકનમાં ૬૩ ગામોમાંથી ૫૭ ગામ લેઉવા પટેલના છે.

નિકોલ વોર્ડ પણ આ વિસ્તારમાં આવે છે. વર્તમાન ધારાસભ્ય બાબુ જમના પટેલ સામે અનેક વખત જાહેર વિરોધ થયો છે. ગામોમાં બેનરો લાગ્યા છે. અમદાવાદ જિલ્લાની પહેલા સાત પછી છ અને હવે પાંચ બેઠકો છે એમાં હંમેશા કડવા પટેલને જ પ્રતિનિધિત્વ અપાયું છે ત્યારે આ વખતે માગણી છે કે ભાજપ દસક્રોઇમાં લેઉવા પટેલને જ પ્રતિનિધિત્વ આપે અને એ પણ સ્થાનિક ઉમેદવારને જ. સૌથી નોંધનીય બાબત એ રહી કે આ વિસ્તારમાં પાટીદાર આંદોલનની અસર સાવ ઓછી રહી હતી. માંડલ, દેત્રોજ અને વિરમગામ એમ ત્રણ બેઠકોને વિભાજિત કરીને ૨૦૧૨માં નવા સીમાંકનમાં વિરમગામ વિધાનસભા બેઠક બનાવાઈ હતી. પટેલ, ઠાકોરની સમસંખ્યા ધરાવતા આ વિસ્તારમાં સથવારા, બ્રાહ્મણ, દલિત, મુસ્લીમ મતદારો પણ છે. પરંતુ સૌથી વધારે મહત્વની આ બેઠક પાટીદાર આંદોલન તેમજ ઓબીસી આંદોલનના બન્ને યુવા નેતા હાર્દિક પટેલ તથા અલ્પેશ ઠાકોર આ વિસ્તારમાંથી આવે છે. માંડલ બેઠક પર અગાઉ ભાજપના પ્રાગજી પટેલ બે વખત વિજયી થયા હતા, ૨૦૧૨માં તેઓ કોંગ્રેસના ડો.તેજશ્રી પટેલ સામે હાર્યા હતા. આ બેઠક પર આનંદીબહેન પટેલ પણ વિજયી થયા હતા. ૧૯૮૫ પછી કોંગ્રેસ પહેલી વખત ૨૦૧૨માં ડો.પટેલની તબીબી સેવાના બળે જીત મેળવી શકી હતી. હવે ડો. તેજશ્રી પટેલના ભાજપ પ્રવેશથી અહીં ભારે ડખો ઊભો થયો છે. ૧૭ હજાર મતથી જીતેલા મહિલા ડોક્ટરને જ ભાજપ ટિકિટ આપશે એવું લગભગ નિશ્ચિત થતાં પ્રાગજી પટેલ, સુરેશ પટેલ જેવા વગદાર નેતાઓ નારાજ છે. આ નારાજગી ભાજપને ચૂંટણીમાં ભારે પડી શકે એમ છે. એટલે એક તબક્કે ક્લાસ વન અધિકારી ચંદ્રેશ કોટકનું નામ પણ સપાટી પર આવ્યું હતું.  ખોડાજી ઠાકોરને ટિકિટ અપાય તો આ બેઠક પર ભાજપમાંથી ડો.તેજશ્રીબેનને ટિકિટ મળે તો ખરાખરીના જંગમાં કોંગ્રેસનું પલડુ ભારે થઇ શકે એમ છે. નળસરોવરના કાંઠા વિસ્તારનો આ પ્રદેશ કોળી બહુમતી મતદારો ધરાવે છે. ૨૦૧૨માં રચાયેલી આ બેઠક પર કોંગ્રેસમાંથી કોળી સમાજના કરમશી પટેલ વિજયી થયા હતા. હવે તેઓ ભાજપમાં જોડાયા છે. એમના પુત્ર માટે ટિકિટ માગી છે. આ સંજોગોમાં કોંગ્રેસને ફરીથી આ બેઠક પર કબજો જમાવવા ભારે મહેનત કરવી પડશે.  નવા સીમાંકન પછી સ્થિતિ થોડીક ભાજપની ફેવરમાં બની છે. પરંતુ વર્તમાન રાજકીય સ્થિતિમાં છ હજાર મતથી જીતાયેલી આ બેઠક પર કોળી અને ક્ષત્રિય મતદારો જ નિર્ણાયક બનવાના છે. ક્ષત્રિય મતદારો પણ સારા એવા પ્રમાણમાં હોવા છતાં ભાજપને ૨૦૧૨માં કોળી મતદારો પર વધારે મદાર રાખવો પડ્યો હતો. મહેસૂલમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અહીં દલિતો અને કોળી મતદારોમાં પણ સહજ સ્વીકૃત છે. માટે ભાજપ આ બેઠકને સુરક્ષિત માની રહી છે.  અહીં પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા માટે સંખ્યાબંધ કાર્યકરોના સમુહોએ નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી છે. પંડ્યા ધારાસભ્ય હતા ત્યારે તેમણે ભાજપ સરકારમાં પાણીનો મુદ્દો ઉપસ્થિત કરી ઘરે ઘરે પાણી પહોંચે એવી વ્યવસ્થા કરાવી હતી. એ જ રીતે સમગ્ર ધંધૂકા શહેરમાં રસ્તા, આસપાસના ગામોને સાંકળતા પાકા રોડ બનાવ્યા હતા. એમણે ૨૦૧૨માં ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. આ પછી સમગ્ર વિસ્તારમાં સ્થિતિ કથળી છે એમ સ્થાનિકોનું કહેવું છે આ સંજોગોમાં કોળી અને ક્ષત્રિય મતદારોના પ્રભાવવાળા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર પર બધો મદાર છે.