મોદી સાહેબ તમારા વતનમાંથી 20 ટકા બાળકો શાળામાં દાખલ જ થતાં નથી
ગુજરાતની ભાજપ સરકારે છેલ્લા ૧૫ વર્ષમાં પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિતના જુદા જુદા ઉત્સવોના નામે કરોડો રૂપિયા ખર્ચ્યા છે પરંતુ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કેવી છે તેનો પરપોટો એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ-૨૦૧૭માં ફૂટી ગયો છે. આ અહેવાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહજિલ્લા મહેસાણામાં ૨૦ ટકા બાળકો(૧૪ થી ૧૮ વર્ષના) ભણવા માટે શાળામાં દાખલ જ થતા ન હોવાની ચોંકાવનારી માહિતી ઉજાગર થઈ હોવાનું કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું છે.
કોંગ્રેસ પ્રવક્તાએ મોદી મોડલના નામે સમગ્ર દેશમાં મોટી મોટી અને ખોટી ખોટી વાત કરનાર ભાજપના શાસકો શિક્ષણ ક્ષેત્રે અધોગતિ માટે જવાબદાર હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં ૨૪ રાજ્યોના ૨૮ જિલ્લાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં એક્ટિવિટી, ક્ષમતા, ગણિત, વિજ્ઞાન અને પાયાનું વાંચન, જાગરૂક્તા સહિતની બાબતોનો સમાવેશ કરાયો હતો.
આ સર્વેમાં ચોંકાવનારી બાબત એ છે કે, ૧૪ થી ૧૮ વર્ષના બાળકો આ ઉંમરે શિક્ષણ મેળવવાને બદલે મજૂરી તરફ વળી રહ્યાં છે. વાયબ્રન્ટ, ગતિશીલ, પ્રગતિશીલ જેવા સૂત્રોથી મોટી મોટી અને ખોટી ખોટી વાતો કરનારા ભાજપ શાસકોના ૨૨ વર્ષના દિશાવિહીન શાસનના કારણે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત આગળ જવાને બદલે પાછળ ધકેલાઈ ગયું છે.
સરવેના આંકડા ટાંકતાં તેમણે જણાવ્યું છે કે, મહેસાણામાં ૧૪ થી ૧૮ વર્ષની ઉંમરના ૧૭.૯ ટકા વિદ્યાર્થીઓ અને ૨૨.૪ ટકા વિદ્યાર્થીનીઓ શિક્ષણ માટે દાખલ જ થતાં નથી. જ્યારે ઉચ્ચ આયુમાં ૧૭ થી ૧૮ વર્ષના ૩૬.૭ ટકા વિદ્યાર્થીઓ શાળા-કોલેજે દાખલ થતા નથી. જેમાં ૩૪.૬ ટકા વિદ્યાર્થી અને ૩૮.૭ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે.
સૌથી ગંભીર બાબત તો એ છે કે, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનો શાળા કોલેજમાં દાખલ થઈ શિક્ષણ મેળવવાનો અધિકારમાં મોટું અંતર જોવા મળી રહ્યું છે. શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. પરિણામે મૂળભૂત શિક્ષણનો હેતુ અને ગુણવત્તા પર મોટા પાયે અસર થઈ છે. શિક્ષકોને સહાયક પ્રથાના નામે ઓછું વેતન ચૂકવીને તેમની ક્ષમતાનો ઉપયોગ થઈ શક્તો નથી. શિક્ષકોને શિક્ષણ કાર્ય સિવાય વધારા કામો સોંપીને શિક્ષણ વ્યવસ્થાને ભારે નુક્શાન કર્યું છે.