બલ્ગેરિયાની 27 વર્ષની યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી, ફાર્મા કંપનીના CMD સામે દુષ્કર્મનો આરોપ
અમદાવાદની પ્રખ્યાત ફાર્મા કંપનીમાં CMDની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ અમદાવાદની કોર્ટમાં ફાર્મા કંપનીના ચીફ મેનેજીંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધવા અરજી કરી હતી. જેને કોર્ટ ઇન્કવાયરી બાદ રિજેક્ટ કરાતા યુવતી FIR નોંધવા કોર્ટના નિર્દેશ માગવા ગુજરાત હાઈકોર્ટ પહોંચી છે. આ અરજી ઉપર હાઈકોર્ટમાં 4 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.
લોઅર કોર્ટમાં યુવતીએ અંજના શર્મા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેમના વકીલ તરીકે ઓમ શર્મા જોડાયા હતા. ફાર્મા કંપનીના CMD સિવાય અન્ય એક આરોપી પણ તે જ ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2022માં તે એક જોબ સોલ્યુશન કંપની દ્વારા અમદાવાદના ફાર્મા કંપનીના CMDની PA તરીકે જોડાઈ હતી. એ ભારતમાં આવીને અમદાવાદ ખાતે રહીને કામ કરતી હતી. તેને CMD સાથે ઉદયપુર, જમ્મુ વગેરે જગ્યાએ જવાનું થતું. જ્યાં CMD તેની સાથે છૂટછાટ લેવાની કોશિશ કરતા. જમ્મુમાં CMDએ તેને નોકરી કરવી હોય તો બાંધછોડ ન હોવી જોઈએ તેમ જણાવ્યું હતું. CMD તેની સાથે કોઈની ઉપસ્થિતિમાં પણ અણછાજતું વર્તન કરતા. બાદમાં તેની જાતીય સતામણી કરવા લાગ્યા, આથી યુવતી ડઘાઈ ગઈ. યુવતીના વકીલનું કહેવું છે કે, આવી 50થી વધુ યુવતીઓ એક જ ફાર્મા કંપનીમાં જાતીય હુમલાનો ભોગ બની છે, પરંતુ કોઈ આગળ આવ્યું નથી. યુવતીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવા DCP, મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ મથક વગેરે જગ્યાએ અરજી આપી હતી. જોકે, કોઈ કાર્યવાહી થઈ નથી. આથી કોર્ટમાં એફિડેવિટ સાથે 28 દસ્તાવેજી પૂરાવા રજૂ કરીને FIR નોંધવા માગ કરવામાં આવી હતી. જોકે, નીચલી અદાલતે મહિલાની અરજી ઉપર પોલીસ રિપોર્ટ માગ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, અરજદાર મહિલાએ નોટરી સમક્ષ લખાવ્યું છે કે, તેને સામવાળા સામે વાંધો નથી, તે ફરિયાદ પાછી ખેંચે છે. તે ભવિષ્યમાં ફરિયાદ કરશે નહીં અને કરશે તો તેની સામે કાયદાકીય પગલાં લેવાશે.