ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 18 જુલાઈ 2017 (12:45 IST)

Rain in Navsari Photo- ગુજરાતમાં ફરી વરસાદની તોફાની બેટિંગ. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારો ધમરોળ્યા

હવામાન વિભાગે 17 જૂલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં સોમવારે રાતથી ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

વરસાદને લઈને શહેરના નીચાણવાળા વિસ્તાર કાશ્મીર નગર, છીપવાડ, વલસાડ પારડી જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો તિથલ રોડ હાલર, એમજી રોડ જેવા વિસ્તારોમાં ગટરો ઉભરાઈ ગઈ હતી.

જેને લઇ લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું. લોકો વહેલી સવારથી જાગી ઘરમાં પાણી ભરાતું અટકાવવાના પ્રયાસ માં મંડી પડ્યા હતા.સોમવારે વલસાડ જિલ્લામાં મેઘરાજાની બેટિંગ જારી રહેતા ધરતી પૂત્રોમાં આનંદની લહેર ફરી વળી છે. જિલ્લામાં સોમવારે સર્વત્ર વરસાદ થતાં વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. સૌથી વધુ વાપી તાલુકામાં પોણા ચાર ઇંચ, ધરમપુરમાં સવા ત્રણ ઇંચ અને વલસાડ તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ થયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ વરસાદનો સિલસિલો જારી રહ્યો હતો.

અમરેલીમા સવારથી જ આકાશમા કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. અહી સવારે સાડા દસેક વાગ્યાના સુમારે મેઘરાજાની પધરામણી થઇ હતી અને આખો દિવસ ધીમીધારે વરસાદ વરસતા અહી બે ઇંચ સુધી પાણી પડી ગયુ હતુ જેને પગલે માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા અને લોકોને ચહેરા પર ખુશી જોવા મળી હતી. તો બાબરામા ધોધમાર પાંચ ઇંચ વરસાદ પડી જતા બજારોમા પાણી પાણીની સ્થિતિ જોવા મળી હતી.

જયારે બગસરામા પણ દિવસ દરમિયાન પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા જગતનો તાત રાજી રાજી થઇ ગયો હતો. રેલવે ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર વલસાડથી સુરત તરફ જતી ત્રણ લોકલ ટ્રેન અને 2 એક્સપ્રેસ ટ્રેન એમ કુલ પાંચ ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજ્યમાં શુક્રવારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 2થી 10 ઈંચ સુધીનો વરસાદ પડતાં ચારેકોર પાણી-પાણી થઈ ગયું હતું.

વલસાડમાં ભારે વરસાદને કારણે વાંકી નદી ઓવરફ્લો થઈ હતી જેને લઈને વશિયર અને વલાડ શહેર વચ્ચે આવેલા બ્રિજ પર પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે ભારે વરસાદને કારણે રેલવેના પાટા પાણીમાં ડૂબી ગયા હતા જેના કારણે અમદાવાદ-મુબંઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતને વરસાદે ધમરોળ્યું છે. જેને લઈને સોમવાર સાંજથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેમાં નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ચીખલીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે ગરનાળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જ્યારે નવસારી જિલ્લામાં મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત નવસારી જિલ્લાના 30થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતાં. શહેરમાં મંગળવારે સવારે ગાજવીજ સાથે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

ધોધમાર વરસાદને લીધે મીઠાખળી અંડરબ્રિજ બંધ કરાયો હતો અને મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. સવારે જ ધોધમાર વરસાદ ખાબકતાં નોકરી-ધંધાએ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને રસ્તાઓ પર પાણીને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને વાસણા બેરેજના બે દરવાજા એક ફૂટ સુધી ખોલાયા છે.આગામી બે દિવસો દરમિયાન અમદાવાદમાં ઝરમર વરસાદ ત્યારબાદ મધ્યમથી હળવો વરસાદ પડવાની હવામાન વિભાગની વકી છે.

રાજસ્થાન અને પાકિસ્તાનમાં સર્જાયેલાં અપરએર સરક્યુલેશનની અસરને કારણે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યારબાદ ચાર દિવસો દરમિયાન રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ છે.