નરેન્દ્ર મોદીએ 'ન્યૂટ્રલ' લોકોને ટોણો મારતા શું કહ્યું?
ગુજરાત, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોનું સંબોધન કરતા તેમણે 'ન્યૂટ્રલ' લોકોને ટોણો માર્યો હતો.
મોદીનાં ભાષણના કેટલાક મહત્ત્વના મુદ્દાઓઃ
આ ચૂંટણીમાં ઘણા લોકોને ઓળખવાનો મોકો મળ્યો છે.
ગત ચૂંટણીઓનું એક વિશાળ પરિપાટી પર વિશ્લેષણ કરવું જોઈએ કે જે પોતાને 'ન્યૂટ્રલ' કહે છે, જેમનું 'ન્યૂટ્રલ' હોવું જરૂરી હોય છે, એ લોકો ક્યાં ઊભા હોય છે, ક્યારે કેવી રીતે રંગ બદલે છે અને કેવા ખેલ રચે છે, આ બધું દેશે જાણવું જરૂરી છે.
ઉત્તરખંડમાં આટલી મોટી ચૂંટણી થઈ, કેટલાની ડિપૉઝિટ જપ્ત થઈ, કોઈ ચર્ચા નહીં.
હિમાચલમાં આટલી મોટી ચૂંટણી થઈ, કેટલા લોકોની ડિપૉઝિટ ગઈ, કેટલા લોકોની હાલત ખરાબ થઈ એના પર કોઈ ચર્ચા નહીં.
રાજનીતિમાં સેવાભાવથી એક મૂકસેવક રીતે કામ કરવું એક ડિસક્વૉલિફિકેશન માનવામાં આવે છે, શું સ્થિતિ સર્જાઈ છે. આ કેવા માપદંડ છે.
ખાસ કરીને 2002 બાદ હું વિશેષ રીતે માનું છું... કદાચ મારા જીવનમાં એવી કોઈ ક્ષણ નહીં હોય, એવું કોઈ પગલું નહીં હોય કે મારા પર કાદવ ન ઉછાળ્યો હોય. પણ તેનો ઘણો ફાયદો પણ રહ્યો, કેમ કે હું હંમેશાં સતર્ક રહ્યો, આ ખરાબ પ્રવૃત્તિઓમાંથી કંઈક ને કંઈક શીખતો રહ્યો. ટીકાએ પણ અમને ઘણું બધું શીખવ્યું છે.