રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 ડિસેમ્બર 2018 (12:29 IST)

પ્રશ્નપત્રના પ્રિન્ટિંગ,પેકેજિંગથી માંડી સર્ક્યુલેશન પ્રક્રિયામાંથી લીક થતા પેપર

ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોક રક્ષક-કોન્સ્ટેબલની આજની પરીક્ષામાં પરીક્ષા શરૃ થયા પહેલા જ પેપર લીક થઈ જતા આખી પરીક્ષા જ રદ કરવી પડી છે ત્યારે આ પરીક્ષામાં પ્રશ્નપત્રના પ્રિન્ટિંગ કે પેકેજિંગની પ્રક્રિયામાં પેપર લીક થયુ હોવાની શંકા છે.મોટા ભાગે પેપરનું પ્રિન્ટિંગ જ્યાં થાય છે ત્યાંથી અથવા પેકેજિંગ સમયે અથવા સર્ક્યુલેશનમાં જ સરકારી સીસ્ટમના જ કોઈ માણસ દ્વારા પેપર લીક થતુ હોય છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી પરીક્ષાઓમાં પેપરો લીક થવાની ઘટનાઓ ખૂબ જ વધી છે.છેલ્લા ત્રણ વર્ષમાં તલાટી ભરતીની પરીક્ષાથી માંડી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા, પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ ઉપરાંત ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા તેમજ ટાટની પરીક્ષામાં પણ પેપરો લીક થવાની ફરિયાદો થઈ ચુકી છે.  સમગ્ર રાજ્યમાં લેવાતી સરકારી પરીક્ષાઓ કે અન્ય કોઈ પરીક્ષાઓ એક સાથે રાજ્યના હજારો સેન્ટરો પર લેવાતી હોવાથી અને લાખો ઉમેદવારો પરીક્ષાની હોવાથી મોટા પાયે સરકારી કર્મચારીઓ-સીસ્ટમના માણસો રોકાયેલા હોવાથી તેમાં સોશિયલ મીડિયા દ્વારા કે અન્ય કોઈ પણ રીતે ક્યાંકને ક્યાંક પેપર લીક થઈ જાય છે.ઘણી વાર પરીક્ષાના એક દિવસ પહેલા તો ઘણીવાર પરીક્ષાના દિવસે જ થોડા કલાક કે થોડા સમય પહેલા પેપર લીક થઈ જાય છે.
બોર્ડની પરીક્ષામાં પેપર સર્ક્યુલેશન થયા બાદ સેન્ટર પર પેપરો ખુલતા પેપર લીક થયુ હતું અને પરીક્ષા કામગીરી રોકાયેલા માણસો દ્વારા જ લીક થયુ હતું.આમ મોટા ભાગે સરકારી સીસ્ટમમો રોકાયેલા માણસો દ્વારા પેપર લીક થાય છે અથવા તો પેપરો જ્યાં પ્રિન્ટ કરવામા આવે છે તે જગ્યાએથી અથવા પેપરોને બંધ કવરમા સીલ કરી પેકેંજિંગ કરવાની પ્રક્રિયા દરમિયાન ખાનગી એજન્સી કે કંપનીના માણસો દ્વારા એજન્ટો સાથે મળી પેપર લીક કરી દેવાય છે.આજે લેવાયેલી લોક રક્ષકની પરીક્ષામાં પણ આવુ જ કંઈક બન્યુ હોવાની શંકા છે કારણકે દરેક સેન્ટર પર સીસીટીવી કેમરો હાવા સાથે પેપરો પોલીસના ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે લોક મારેલી પેટીઓમાં જ લવાયા હતા અને સ્ટ્રોંગ રૃમમાં રાખવામા આવ્યા હતા.જેથી  પેપર સર્ક્યુલેશન સમયે અથવા સેન્ટરો પરથી લીક થયુ ન હોવાનો અંદાજ છે પરંતુ પરીક્ષા પહેલા જ્યાં પેપરો પ્રિન્ટ થયા હતા ત્યાંથી પેપર લીક થયા હોવાની પુરી શંકા છે.