સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 મે 2019 (17:04 IST)

ચૂંટણી પછી શંકરસિંહ બાપુ ભાજપ પર ભડક્યા, ભાજપને ગુજરાતમાંથી તગેડવા હું ઝઝૂમીશ

ગુજરાત રાજ્યના સ્થાપના દિને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના પ્રણેતા ઇન્દુચાચાની પ્રતિમા પાસે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે ઝઝૂમશે. બાપુએ હુંકાર ભરતા કહ્યું હતું કે ભાજપની ચાલ, ચરિત્રહીનતા અને બનાવટી ચહેરાની સામે તે લડશે.શંકરસિંહ વાઘેલા અમદાવાદના નહેરૂ બ્રીજ પાસે આવેલી ઇન્દુચાચાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી અને જણાવ્યું હતું કે 'ભય ભૂખ અને ભ્રષ્ટાચારવાળા ભ્રામક સૂત્રોથી બીજેપી સરકાર સત્તા કબ્જે કરવામાં સફળ થઈ છે, હકિકતમાં આજે ગુજરાતની પ્રજા ભયથી ધ્રૂજે છે, ભૂખમરાથી સબડે છે. 
વિચિત્ર ચાલ ચરિત્રહિનતા અને બનાવટી ચહેરાવાળા, અને રાજ્ય અને દેશ કરતાં પોતાનો પક્ષ મહાન તેવી માન્યતા ધરાવતા ભાજપ રક્ષકના બદલે ભક્ષક બન્યો છે. ભાજપે ગરવી ગુજરાતને વરવી ગુજરાત બનાવ્યું છે. ભાજપના ભ્રષ્ટ શાસકો પાસેથી ગુજરાતને મુક્ત કરાવવા માટે હું ઝઝૂમીશ ગુજરાતને બીજેપીમાંથી મુક્ત કરાવવા માટે હું ઝઝૂમીશ' શંકરસિંહ વાઘેલાએ આ પ્રકારની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞા સાથે શંકરસિંહ વાઘેલા ગાંધીનગર ખાતે ફરીથી રાષ્ટ્રવાદી કોંગ્રેસનું કાર્યાલય શરૂ કર્યુ હતું.
આ કાર્યક્રમ બાદ ગાંધીનગર ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું, “ભાજપના સાશનના કારણે રાજ્ય પર 2.5 લાખ કરોડનું દેવું છે. પેપ્સીકો અને ખેડૂતોની જે લડત ચાલે છે તેમાં પેપ્સી કો અને ખેડૂતોને કહીએ કે કોર્ટ કેસ ન કરે અને કરશે તો પેપ્સી કોને ગુજરાતમાં નો એન્ટ્રી કરીશું. હાલમાં 10,000 ગામડામાં પીવાના પાણીની સમસ્યા છે. મોદી સાહેબનું નિવેદન છે બંગાળમાં કે 40 જેટલા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે, આ કોઈ પણ પ્રધાનમંત્રીને ન શોભે તેવું નિવેદન છે જે ન કરાય પરંતુ મોદી સાહેબે કહ્યુ છે. 
જો મોદી સાહેબના સંપર્કમાં 40 હોય તો ભાજપ અને મહારાષ્ટ્રમાં પણ ધારાસભ્ય દુ:ખી છે, હોર્સ ટ્રેડિંગ તો ન કરાય. હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, ભાજપે હિસાબ આપવાના બદલે હું ઘરમાં જઈને મારીશ. પુલવામા 44 જવાનોને મારી નાંખવાનું કાવતરૂ, આ કાવતરાખોર સરકાર છે. 2002માં ગોધરાના ડબ્બાની કહાની અને કથની તમને ખબર છે. લાશોનું પ્રદર્શન કરવાના હતા. આ લોકોને શરમ નથી. કાયદોને વ્યવસ્થા સાચવવી જોઈએ.”
શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું, “RDX ભરેલી ગાડી ગુજરાતના રજિસ્ટ્રેશન વાળી હતી. મારા મતે પુલવામામાં જવાનોને મારી નાંખવાનું કાવતરૂં હતું. પુલવામામાં આતંકવાદીઓ પર જે હુમલો થયો તે પછી બાલાકોટનું કાવતરૂં હતું. આતંકવાદીઓ મારી નાંખવાના હતા એ ખબર હતી તેમ છતાં ભાજપ સરકારે આ થવા દીધું. એરસ્ટ્રાઇક થયું બધું થયું પરંતુ કોઈ મર્યુ નથી. એમના કરતા મારૂ લોહી વધારે ગરમ અને કેસરી છે, દેશની પ્રજાને ગુમરાહ કરવાનું કાવતરૂ છે” શંકરસિંહ વાઘેલાએ રાજ્યના સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ એવો દાવો કર્યો છે કે ગુજરાતના રાજ્યના ભાજપના અનેક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને દેશમાં કોંગ્રેસની સરકાર બનશે એટલે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર ઉથલી જશે અને 23મી મેના રોજ રાજ્યમાં સરકાર ગબડી જશે.