ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (17:18 IST)

શંકરસિંહ વાઘેલાએ એનસીપીનો ખેસ ધારણ કર્યો, રાજકિય કારકિર્દિમાં પાંચ પાર્ટીઓ બદલી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો ખેસ ધારણ કર્યો છે. અમદાવાદમાં વાઘેલા એનસીપી પ્રમુખ શરદ યાદવની હાજરીમાં સત્તાવાર રીતે એનસીપીમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં એનસીપીના નેતા પ્રફુલ પટેલ પણ હાજર હતા. શંકરસિંહને પક્ષે એનસીપીના મહામંત્રી બનાવ્યા છે.
શંકરસિંહ વાઘેલાએ ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો અને બાદમાં કોઈપણ પક્ષમાં જોડાયા નહતા. ગુજરાતના દિગજ્જ નેતાઓમાં શંકરસિંહ વાઘેલાની ગણતરી થાય છે અને તેઓ જનતા પાર્ટી બનાવીને 125 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ લગભગ તમામ સભ્યોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી.   
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘથી રાજકીય સફર શરૂ કરનાર વાઘેલા લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા અને તેઓ કોંગ્રેસમાં મંત્રી પદે પણ રહ્યા હતા. પાર્ટીએ તેમને કેન્દ્રીય મંત્રીથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધીની જવાબદારી સોંપી હતી. 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પોતાને સીએમ પદના ઉમેદવાર જાહેર ના કરાતા બાપૂએ કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો.
શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઇ 1940ના રોજ ગાંધીનગરના વાસણા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો. શંકરસિંહ 1977, 1989, 1991, 1999, 2004 એમ પાંચવાર લોકસભાના સાંસદ અને 1984માં રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. શંકરસિંહ 1996માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.