શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 નવેમ્બર 2018 (16:49 IST)

હાર્દિક મારી આસપાસ રહેશે તો તેને નુકસાન થાય તેમ છે - શંકરસિંહ વાઘેલા

કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે તેમના નિવાસ સ્થાને એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પરિષદમાં તેમણે કહ્યું હતું કે ભાજપે હાર્દિકને ઘરની બાબતમાં હેરાનગતિ કરવી જોઈએ નહીં, હાર્દિક જો મારા પડછાયામાં રહેશે તો તેને નુકસાન થાય તેમ છે, જે યોગ્ય નથી.જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના લોકસભા ચૂંટણી લડવાને લઇ જણાવ્યું હતું કે, હું દિલ્હીમાં અડવાણીને મળ્યો હતો તેમની સાથેની વાતચીતમાં મેં પૂછ્યું હતું કે તમે ગાંધીનગરથી ચૂંટણી લડવા ના છો તો અડવાણીએ હા પાડી અને તેમણે ઈશારો કર્યો હતો કે, જો RSS કહેશે તો ચોક્કસ લડીશ. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય થવાની આગાહી કરતા વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વળતા પાણી દેખાય રહ્યા છે, જ્યારે ભાજપ સિવાયના અન્ય રાજકીય પક્ષો 300 બેઠકો સાથે કેન્દ્રમાં સત્તા હાંસલ કરશે. લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પોતાનો મુખ્ય રોલ રહેશે. સમગ્ર દેશમાં પ્રવાસ કરી રહ્યો છું અને ભાજપ વિરોધી જે કોઈ પક્ષ લડતા હશે તેમને સાથ આપવા હું તૈયાર છું.
 કેન્દ્રની મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ હોવાનો ઉલ્લેખ કરતા વાઘેલાએ કહ્યું હતું કે સૌથી વધુ દુઃખી દેશના ખેડૂતો છે તેમને પોષણક્ષમ ભાવો ન મળતા આપઘાત કરી રહ્યા છે. જે ઘણી દુઃખદ બાબત છે.મેં ગઈકાલે ઇલેક્શન કમિશનને પત્ર લખ્યો છે, મેં લખ્યું છે કે જે EVMનો હેતુ જલ્દી મતદાન કરવાનો હતો. પરંતુ ઘણી સમસ્યાઓ સામે આવી છે. EVMમાં ટેમ્પરિંગ થાય છે એટલે ડેવલપ દેશોએ છોડી દીધા. આવનારી ચૂંટણીમાં પેપર બેલેટ લગાવવામાં આવે તો પેપરટ્રેલ બધાં બૂથ અને મશીન પર લગાવવામાં આવે જેથી મતદાર વેરીફાઈ કરી શકે અને મતદારને હાશ થાય કે એણે જ્યાં મત નાંખ્યો છે ત્યાં પડ્યો છે.લોકસભાનો કોઈ પણ વિસ્તાર કે પાર્ટી રિકાઉન્ટ માંગે તો પેપરટ્રેલની ગણતરી કરવી,જેથી લોકશાહી બચાવી શકાય. ઇલેક્શન કમિશન ઐતિહાસિક નિર્ણય લઈને સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપે જેથી જરૂર લાગે એ જગ્યાએ પેપરટ્રેલનું કાઉન્ટ કરી શકાય અને પારદર્શિતા માટે મેં માંગણી કરી છે.