રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (13:14 IST)

અમદાવાદમાં 125 ખાનગી હોસ્પિટલો અને નર્સિગ હોમ્સ 15 જાન્યુઆરીથી ચાર સરકારી વીમા કંપનીઓની કેશલેશ સુવિધા બંધ કરશે

સરકારી વીમા કંપનીઓએ ખાનગી હોસ્પિટલોનું છેલ્લા પાંચ વર્ષથી ચાર્જનું કોઈ રીવિઝન કર્યું નથી
 
અમદાવાદ શહેરમાં આવેલી 125 જેટલી ખાનગી હોસ્પિટલો દ્વારા આગામી 15મી જાન્યુઆરી 2022થી ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, ધી ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ, નૅશનલ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા કંપનીના ઇન્સ્યોરન્સ ધારકોને મળતી કેશલેશ સુવિધાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AHNA દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું હતું કે આ ચાર સરકારી વીમા કંપનીઓ દ્વારા હોસ્પિટલોનું છેલ્લા પાંચ વર્ષથી ચાર્જનું કોઈ રીવિઝન કર્યું નથી. અને નિયમિતપણે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ ન લાવતા તેઓએ આ નિર્ણય લેવાની ફરજ પડી છે. સરકારી વિમા કંપનીઓના ધાંધીયા અસંખ્ય રજુઆતો બાદ પણ કોઈ નિવારણ ન આવતા અમદાવાદની હોસ્પિટલો તેમજ નર્સિગ હોમ્સ કેશલેસ સુવિધા બંધ કરશે.
 
ચારેય સરકારી વિમા કંપનીઓ કંપનીઓ અણઘડ વહીવટ કરે છે
AHNAના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, ધી ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ, નૅશનલ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા કંપનીઓ અણઘડ વહીવટ કરે છે. એગ્રીમેન્ટ રિન્યુઅલ કરવામાં ધાધિયા કરે છે. સરકારી વિમા કંપનીઓ દ્વારા કલેઈમ સામે પેમેન્ટ ખુબ જ મોડુ મળતું હોય છે. 30 દિવસની મર્યાદા હોવા છતાં કોઈ પણ સરકારી વિમા કંપનીઓ દ્વારા સમયસર ચુકવણી થતી નથી. MSME એક્ટ પ્રમાણે આ એક ગંભીર ગુનો છે. તેઓ સરખો જવાબ નથી આપતા અને દિલ્લી મુંબઈ ઓફિસમાં વાત કરીશું તેવી વાત કરે છે. લોકોએ જો સારી સુવિધાઓ લેવી હોય તો આ ચાર કંપનીઓને ઇન્સ્યોરન્સ લેવાનું બંધ કરો. જો કોઈપણ પ્રશ્નોનો જવાબ નહિ આપવામાં આવે તો 15 જાન્યુઆરી 2022થી કેશલેશ સુવિધાઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલો દ્વારા બંધ કરવામાં આવશે. 
 
વિમા કંપનીઓનું પ્રીમિયમ બેથી ત્રણ ગણું વધી ગયું છે.
સરકારી વિમા કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષથી ચાર્જનું કોઈ રીવીઝન કર્યું નથી. પાંચ વર્ષમાં વિમા કંપનીઓનું પ્રીમિયમ બેથી ત્રણ ગણું વધી ગયું છે. હોસ્પિટલમાં તમામ સર્વીસીસ તેમજ સ્ટાફન્ને લગતા ખર્ચમાં ખાસ્સો વધારો થવાથી સરકારી વિમા કંપનીઓના વિમાધારક દર્દીઓને અપાતી સારવારનો ખર્ચ, જે ચાર્જ આપવામાં આવે તેની સામે પોસાય તેમ નથી. સરકારી વિમા કંપનીઓ દ્વારા ઉભી કરેલ મુશ્કેલીઓને હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સ અત્યાર સુધી ચલાવી લીધેલ છે. ઘણી આંતરિક ચર્ચાઓ બાદ આ ગંભીર પગલું લેવાની એસોસીએશનને આ વિમા કંપનીઓએ ફરજ પાડી છે.
 
ચાર્જ નક્કી કરતી વખતે ડોક્ટરની સિનિયોરીટી પણ ધ્યાનમાં નથી રખાતી
જ્યારે હોસ્પિટલોએ આ બાબતે રજુઆત કરી તો ઉદ્ધતાઈ પૂર્વક 40 ટકા ઓછા ચાર્જ આપવાની વાત સરકારી વિમા કંપનીઓના અધિકારીઓએ કરી હતી. આ ઉપરાંત ચાર્જ નક્કી કરતી વખતે ડોક્ટરની સિનિયોરીટી પણ ધ્યાનમાં રાખવામાં આવતી નથી. જેના કારણે દર્દીઓ સીનીયર ડોક્ટરોની એક્સપરટાઈઝથી વંચિત રહી જાય છે. આ ઉપરાંત દેશના અન્ય મહાનગરોમાં જેવા કે મુંબઈની સામે અમદાવાદમાં અપાતા ચાર્જિસમાં 40 થી 50 ટકાનો તફાવત છે.સરકારી વિમા કંપનીઓ દ્વારા હોસ્પિટલોને પેનલ પર લેવામાં પણ ભેદભાવ રખાતો હોવાની તેમજ હાલા દવલાની નીતી અપનાવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
 
 મોટા ભાગે ટીપીઓની ઓફીસો શનિવારે બંધ હોય છે
એસોસિએશનના સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું હતું “સરકારી વિમા કંપનીઓએ આ બાબતમાં પારદર્શિતા લાવવાની જરૂર છે. અમે તેમને મદદ કરવા તૈયાર છીએ” સરકારી વિમા કંપનીઓ દ્વારા નિયુક્ત કરેલ થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટરે (ટીપીએ) દર્દીઓ તેમજ હોસ્પિટલોની મુશ્કેલીઓમાં વધારો કરેલ છે. વાઇસ પ્રેસિડેન્ટ ડો. અનિષ ચંદારાણાનું કહેવું છે કે જ્યારે હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ 24 કલાક કાર્યરત હોય તેવા સંજોગોમાં ટીપીએ, લિમિટેડ સમય માટે કેવી રીતે કાર્ય કરી શકે? મોટા ભાગે ટીપીઓની ઓફીસો શનિવારે પણ બંધ હોવાથી અને સાંજે બંધ થઈ જવાથી દર્દી તેમજ હોસ્પિટલોને ખુબ જ તકલીફ પડતી હોય છે. IRDA દ્વારા પણ ટીપીએને તેમની ઓફીસો 24 કલાક ચાલુ રાખવા માટેની સુચના અપાઈ હોવા છતાં તેનો કોઈ અમલ થતો નથી.
 
ક્લેઈમ સંબંધી નિર્ણયો લેવામાં ક્વોલિફાઈડ ડોક્ટરો નથી
આ ઉપરાંત મોટા ભાગના ટીપીએ દ્વારા ક્લેઈમ સંબંધી નિર્ણયો લેવા કોઈ ક્વોલિફાઈડ ડોક્ટરોની નિમણુંક થતી હોતી નથી. અણ આવડતના કારણે મોં માથા વગરની ક્વેરીઓ કાઢીને દર્દીની સારવાર માટે ઓથોરાઇઝેશન આપવામાં ખુબ જ વિલંબ કરાતો હોવાની ફરિયાદો પણ એસોસિએશનને મળેલ છે. ડિસ્ચાર્જ વખતે ઓથોરાઈઝેશન આપવામાં થતા વિલંબના કારણે દર્દી અને હોસ્પિટલના સ્ટાફમાં ઘર્ષણ થતું હોવાની ફરિયાદો એસોસિએશનને મળેલ છે. આ ઉપરાંત અનેક કિસ્સાઓમા ઓથોરાઈઝેશન પણ આપ્યા બાદ દર્દીના રજા લઈ લીધા પછી ઓથોરાઈઝેશન કેન્સલ કરેલ છે. એનાથી હોસ્પિટલને નુક્સાન થતું હોવાની વ્યાપક ફરિયાદો છે.