શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 11 ડિસેમ્બર 2019 (12:08 IST)

વિધાનસભામાં ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોનો રિપોર્ટ રજૂ કરાયો

આજે ગુજરાત વિધાનસભા  શિયાળુ સત્રનો ત્રીજો અને છેલ્લો દિવસ છે, ત્યારે વિધાનસભામાં કાર્યવાહી દરમિયાન પાક વીમાના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા અને સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. આ હોબાળાના પગલે વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની ચિમકી ઉચ્ચારતા વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.
 
ગુજરાત વિધાનસભામાં ગોધરા કાંડ મામલે જસ્ટિસ નાણાવટી પંચનો રિપોર્ટ રજૂ થયો અને કેગનો અહવાલ વિધાનસભામાં રજૂ કરાયો હતો. 2002માં થયેલા કોમી રમખાણોની તમામ રિપોર્ટો વિધાનસભામાં રજૂ કરાયા હતા. 10 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં રજૂ થઈ રહ્યા છે. જેમાં વૉક આઉટ કરી ગયેલા વિપક્ષના કેટલાક ધારાસભ્યો પરત ફર્યા છે.
 
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસને આગ લગાડી દેવામાં આવી હતી. જેમાં કોચ નંબર એસ-6માં સવાર 59 કાર સેવકોનાં મોત થયાં હતાં. જેમાં મૃતકોમાં 27 મહિલાઓ, 10 બાળકો અને 22 પુરુષો હતા. જે બાદ રાજ્યભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને તેની તપાસ માટે આ પંચની રચના કરવામાં આવી છે.
 
નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ આજથી 10 વર્ષ પહેલાં 25 સપ્ટેમ્બર 2009માં શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ થયો હતો. નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો બીજો ભાગ આજથી 5 વર્ષ પહેલાં 18 નવેમ્બર 2014માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સોંપાયો હતો. હવે આ રિપોર્ટને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવી રહ્યો છે.