સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 24 ડિસેમ્બર 2022 (17:10 IST)

દાહોદનો બાળક સોફ્ટબોર્ડની પિન ગળી ગયો, સિવિલ હોસ્પિટલે એક કલાકની જહેમત બાદ કાઢી

child swallowed pin
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અનેક જટિલ સર્જરી કરવામાં આવે છે, ત્યારે દાહોદ વિસ્તારના આંતરિયાળ ગામનો બાળક રમતા રમતા ઈલેક્ટ્રિક સોફ્ટ બોર્ડની પિન ગળી ગયો હતો. જે શ્વાસનળીમાં ફસાતા બાળકને દાહોદ સિવિલ અને વડોદરાની SSG હોસ્પિટલમાં લઈ જતા પણ ના નીકળતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. બાળકની યોગ્ય તપાસ કરીને સિવિલના ડોક્ટરની ટીમે 1 કલાકની ભારે જહેમત બાદ પિન કાઢીને બાળકને સ્વસ્થ કરી દીધો છે.

દાહોદના આંતરિયાળ ગામમાં ટ્રક ડ્રાઈવર સાજીદ અલી .સાજીદભાઈને 10 વર્ષનો દીકરો છે. આ દીકરો રમતા રમતા સોફ્ટ બોર્ડની પિન ગળી ગયો હતો. ઘરે માતા પિતા બોલશે તે ડરથી બાળકે ઘરે જણાવ્યું નહોતું. 4 દિવસ બાદ બાળકને ગળામાં દુખાવો થતો હતો, જેથી ઘરે જાણ કરી હતી. તો બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી વડોદરાની SSG હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.પરંતુ બંને હોસ્પિટલમાં પરિણામ ના મળતા બાળકને લઈને સાજીદ અલી અમદાવાદ અસારવા સિવિલ આવ્યા હતા.18 ડિસેમ્બરે રાતે બાળકને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું. બાળકનું શ્વાસોશ્વાસ વધી ગયું હતું. સિવિલ હોસ્પિટલમાં સૌ પ્રથમ બાળકની એન્ડોસ્કોપી કરવામાં આવી હતી, જેથી અન્નનળીમાં કઈ દેખાયું નહીં. જેથી 21 ડિસેમ્બરે દૂરબીનથી તપાસ કરવામાં આવી. ત્યારે બાળકના શ્વાસનળીમાં કઈ દેખાયું હતું. પરંતુ 10 દિવસ જેટલો સમય થઇ ગયો હોવાથી અંદર શું છે તે સ્પષ્ટ થતું નહોતું. આજુબાજુ થોડું ખોતર્યું ત્યારે મેટલની કોઈ વસ્તુ હોવાની જાણ થઇ હતી. 1 કલાકની જહેમત બાદ બાળકની શ્વાસનળીમાંથી પિન નીકાળવામાં આવી હતી. આ કલાક દરમિયાન એનેસ્થેસિયાની ટીમ પણ સાથે હતી. બાળકને ફૂલ ડોઝ આપીને બેભાન કરવામાં આવ્યો હતો.

આ સર્જરી દરમિયાન બાળક સિરિયસ ના થઇ જાય તેની પણ તકેદારી રાખવામાં આવી હતી. જરૂરી સાધનો વડે 1 કલાકની મહેનતે પિન બહાર કાઢવામાં આવી અને બાળકને હવે પહેલાની જેમ ફરતો થઇ ગયો છે.સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ .રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે બાળકના શરીરમાં બહારની કોઈ વસ્તુ હોય તો તે 2 દિવસમાં નીકળી જાય છે, પરંતુ આ બાળકના શરીરમાં વસ્તુની 10 દિવસે અમને જાણ થઇ એટલે 1 કલાક જેટલો સમય અમને વસ્તુ બહાર કાઢવામાં લાગ્યો હતો. તમામ માતા પિતાને અપીલ છે કે બાળક આ રીતે કોઈ વસ્તુ ગળી જાય તો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જઈ સારવાર કરાવવી નહીં તો સમય વધુ જાય તેમ સ્થિતિ બગડી શકે છે.બાળકના પિતા સાજીદ અલીએ જણાવ્યું હતું કે અમે દાહોદ સિવિલ અને વડોદરા SSG હોસ્પિટલમાં પણ ગયા, પરંતુ ત્યાં સારવાર ના થઇ શકી. એટલે અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા, તો ડોક્ટરની ટીમે તરત કામગીરી શરૂ કરીને બાળકનું ઈલાજ કર્યું અને પિન બહાર કાઢી દીધી છે.