બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 7 ઑગસ્ટ 2024 (15:18 IST)

અમદાવાદમાં ઘરમાં રાત્રે ચાર્જિંગમાં મુકેલી EVની બેટરીમાં વિસ્ફોટ થતાં આગ ભભૂકી

explosion in the battery of an EV left for charging at night
explosion in the battery of an EV left for charging at night
  હાલમાં ઈલેક્ટ્રીક વ્હીકલ હોય કે મોબાઈલ હોય બેટરી ચાર્જિંગ કરતાં અનેક વખત વિસ્ફોટ થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે.ઘરના ડ્રોઈંગ રૂમમાં ઇલેક્ટ્રીક વ્હીકલની બેટરી ચાર્જિંગમાં મૂકી હતી. જેમાં શોર્ટ સર્કિટ થતા વિસ્ફોટ થયો હતો. જેના પગલે આખા રૂમમાં આગ ફેલાઈ ગઈ હતી.ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા જમાલપુર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. 
 
ધડાકા થતા આગ લાગી અને સમગ્ર બેડરૂમમાં ફેલાઈ ગઈ
ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે કંટ્રોલરૂમમાં વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ કોલ આવ્યો હતો. વાસણા બેરેજ રોડ પર સિદ્ધશીલા ફ્લેટમાં ત્રીજા માળે લાગેલી આગમાં લોકો ફસાયા છે. આ કોલ બાદ તરત જ જમાલપુર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર સંતોષ પટેલ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થયો હતો. ઘટના સ્થળે પહોંચીને મકાનમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. ફાયર ઓફિસરના જણાવ્યા  પ્રમાણે ત્રીજા માળે આવેલા મકાનમાં ઇલેક્ટ્રોનિક વ્હિકલ બાઇકની બેટરી ટીવી પાસે આવેલા ચાર્જિંગ પોઇન્ટમાં ચાર્જિંગ માટે મોડી રાત્રે મૂકી હતી. જેમાં ધડાકા થતા આગ લાગી અને સમગ્ર બેડરૂમમાં ફેલાઈ ગઈ હતી. ટીવી ફર્નિચર સહિતનો સામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો. 
 
પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેવામાં આવી
ઘરના વ્યક્તિઓ આગથી બચવા માટે બેડરૂમમાં દરવાજો બંધ કરી બારીમાં આવેલા છજા ઉપર બેસી ગયા હતા.આગ લાગવાના કારણે ધુમાડો ઘરમાં વધુ ફેલાઈ ગયો તો પરંતુ દરવાજો બંધ હોવાના કારણે ખૂબ વધારે અસર થઈ નહોતી તાત્કાલિક ધોરણે સીડી મૂકી બારીમાં બેઠેલા ઘરના સભ્યોને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત શાહ પણ ઘર પાસેથી પસાર થતી ફાયરબ્રિગેડની ગાડીનો અવાજ સાંભળી તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા.