સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 25 જૂન 2024 (17:35 IST)

સુરતમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં દર્દી ઉપર છત પરથી સ્લેબનો પોપડો પડ્યો

સુરત, -શહેરની નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પોપડા તેમજ સ્લેબ તૂટવાની કે પડવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઇપણ યોગ્ય નિકાલ લઈને આવતા નથી. હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર લેવા આવેલી મહિલા ઉપર સ્લેબનો પોપડો તૂટી પડતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલના G-0 વોર્ડમાં ડાયાલિસિસ દરમિયાન મહિલા ઉપર સ્લેબ તૂટી પડતાં થોડાક સમય માટે ભાગદોડ મચી ગઇ હતી. સદનસીબે હોસ્પિટલમાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.
 
G-0 વોર્ડમાં તેમની ડાયાલિસિસની સારવાર ચાલી રહી હતી
પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની ધર્મેન્દ્રભાઈ મોર્ય હાલ પાંડેસરા હાઉસીંગમાં આવેલ શાંતિવન સોસાયટીમાં પત્ની રાનીદેવી અને 4 સંતાન સાથે રહે છે. ધર્મેન્દ્રભાઈ સ્થાનિક વિસ્તારમાં ચોકલેટ-બિસ્કીટની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ધર્મેન્દ્રભાઈની પત્ની રાનીદેવીને કિડની બીમારી છે, જેથી છેલ્લા બે વર્ષથી નવી સિવિલ હોસ્પિટલમાં તેની ડાયાલિસિસની સારવાર ચાલી રહી છે. રાબેતા મુજબ રાનીદેવી અને તેના પતિ ડાયાલિસિસ માટે હોસ્પિટલમાં આવ્યા હતા. જૂની બિલ્ડિંગમાં G-0 વોર્ડમાં તેમની ડાયાલિસિસની સારવાર ચાલી રહી હતી. 
 
વોર્ડમાં ભયના માહોલ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો
તે સમયે ધીરેધીરે ઉપરથી સ્લેબ તૂટીને તેણીના ઉપર પડવા લાગ્યા હતા. જેથી વોર્ડમાં ભયના માહોલ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાને પગલે નર્સિંગ સ્ટાફે રાનીદેવીને તાત્કાલિક દૂર ખસેડી દીધી હતી. જેથી કોઈ મોટી દુર્ઘટના બનતા ટળી હતી અને રાનીદેવીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.સિવિલ તંત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ ઘટના બે દિવસ પહેલા બની હોવાની સામે આવ્યું છે અને ઘટના બન્યા બાદ તાત્કાલિક પગલાં લઈને તેને રિપેર કરી નાખવામાં આવ્યું હતું. આ સાથે જ આ જુની બિલ્ડિંગને શિફ્ટ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવાથી તેને પાડીને ત્યાં નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે.