મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 ડિસેમ્બર 2021 (14:29 IST)

અમદાવાદના યુવકને OTP મળ્યા વિના જ ક્રેડિટ કાર્ડમાંથી 1.95 લાખ ઉપડી ગયા

ટેકનોલોજીના વધી રહેલા ઉપયોગ સાથે સાઈબર ફ્રોડના કેસો પણ સતત વધી રહ્યા છે. ક્રેડિટ કાર્ડ અથવા OTP મેળવીને ઘણા લોકો સાથે છેતરપિંડીના બનાવો સામે આવી ચૂક્યા છે, ત્યારે હવે શહેરમાં એક સાઈબર ક્રાઈમનો અલગ જ બનાવ બન્યો છે, જેનાથી લોકો પણ વિચારતા થઈ ગયા છે. કૃષ્ણનગરમાં એક વ્યક્તિના ક્રેડિટ કાર્ડમાંથી OTP વિના જ 1.95 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું. જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનેલા વ્યક્તિએ અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગતો મુજબ, શહેરના કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં રહેતા 36 વર્ષીય સુરેશ આસુદાની પાસે કોટક મહિન્દ્રા બેંકનું ક્રેડિટ કાર્ડ હતું. આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેઓ પેટ્રોલ-શોપિંગ માટે કરતા અને ઓનલાઇન બેંકિંગથી ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરતા હતા. રાત્રે તેઓ ઘરે જઈને 10 વાગ્યા પછી પોતાનો ફોન બંધ રાખતા હોય છે, જોકે 28 જુલાઈ 2020ના રોજ તેમના પિતાના ફોન પર કોટક મહેન્દ્રા ટેકનિકલમાંથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે બેન્કમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું. આ બાદ સુરેશભાઈએ વાત કરતા બેન્કના કર્મીએ કહ્યું કે, તમારા ક્રેડિટ કાર્ડમાંથી રૂ.1.95 લાખનું ટ્રાન્જેક્શન થયું છે, જે તેમણે કર્યું છે કે નહીં આ બાબતે પૂછપરછ કરી હતી અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે કહ્યું હતું. સુરેશભાઈએ થોડીવાર પછી ફોન અને મેઈલ ચેક કરતા તેમના ક્રેડિટ કાર્ડમાંથી ચાર ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જણાયું હતું. આથી સુરેશભાઈએ પોલીસમાં અરજી આપીને જાણ કરી હતી અને આ મામલે તપાસ શરૂ કરાઈ હતી. જોકે તેમનું એકાઉન્ટને બેંક દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવ્યું હોવાથી તેઓ 85 હજાર તેઓ ઉપાડી શક્યા નહોતા. બેંક દ્વારા તેમને પોલીસમાં ફરિયાદ માટે કહેવાતા આખરે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અહીં ખાસ વાત એ છે કે તેમનો ફોન બંધ હતો અને OTP પણ નહોતો આવ્યો, તેમ છતાં ભેજાબાજે છેતરપિંડી આચરી.