શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (10:54 IST)

સુરતમાં આમ આદમી પાર્ટીમાં વધુ એક વિકેટ ખરી પડી, મહિલા કોર્પોરેટર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા

સુરત આપ પાર્ટીની મુસીબત ઓછી થવાનું નામ જ નથી. હજી થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ ઝાડુ છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. ત્યાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ આપના વધુ એક મહિલા કોર્પોરેટરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયાને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હોવાનો પત્ર બહાર પાડવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે વોર્ડના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે તેમનું વર્તન ઉદ્ધતાઈભર્યું રહ્યું છે. પાર્ટી તરફથી આપવામાં આવતી સૂચનાને બદલે તેઓ પાર્ટી વિરુદ્ધ જ કામ કરતા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.તેઓ કાર્યકર સાથેની નોર્મલ વાતચીતને પણ રેકોર્ડિંગ કરીને સંગઠનમાં મતભેદ ઉભા કરવાનું કામ કરતા હતા, અને પાર્ટીની છબી ખરડાય તેવી પ્રવૃત્તિ કરતા હોય અંતિમ ઉપાય તરીકે તેમને પક્ષમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. આ પહેલા આપના 27માંથી પાંચ કોર્પોરેટરો પાર્ટી છોડીને ભાજપનો ખેસ ધારણ કરી ચુક્યા છે અને હવે વધુ એક મહિલા કોર્પોરેટરને બરતરફ કરાતા હવે આપના કોર્પોરેટરોની સંખ્યા 27માંથી ઘટીને 21 થઈ ગઈ છે. હજી પણ ચર્ચા જોરજોરમાં ચાલી રહી છે કે આગામી દિવસોમાં પક્ષના બીજા કોર્પોરેટરો પણ પાર્ટીને બાય બાય કહી શકે છે. વિધાનસભા ચૂંટણીને ભલે હજી વાર હોય પણ હાલ જોડતોડની રાજનીતિ ચરમસીમાએ છે. કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર વિપક્ષમાં બેસનાર આપમાં ભંગાણનો સિલસિલો યથાવત રહ્યો છે. અને હવે આપ પાર્ટીને પોતાની ડૂબતી નૈયા બચાવવામાં મુશ્કેલી પડી રહી છે. જોવાનું એ રહે છે કે આવનાર દિવસોમાં આપ પાર્ટી હવે પોતાનું સંગઠન બચાવવા શું રણનીતિ હાથ ધરે છે.