બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (11:35 IST)

અઢી ઈંચ વરસાદમાં અડધું અમદાવાદ જળબંબાકાર, ઠેરઠેર પાણી ભરાયાં

અમદાવાદ શહેરમાં બુધવારે સાંજે પડેલા ધોધમાર વરસાદને પગલે જનજીવન ખોરવાયું હતું. અડધુ શહેર પાણીમાં જળબંબાકાર થયું હતું જ્યારે બીજી તરફ એસજી હાઈવે, એસપી રિંગ રોડ, પાલડી, પંચવટી, નિકોલથી નારોલ, આશ્રમ રોડ,થલતેજ ચાર રસ્તા, જશોદાનગર, ઇસનપુર, દર્પણ છ રસ્તાથી સ્ટેડિયમ પાંચ રસ્તા, જીવરાજ પાર્ક, સરખેજ, જુહાપુરા, નહેરુનગર, માણેકબાગ, હાટકેશ્વર સહિતના સંખ્યાબંધ રોડ પર કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. 

જેને પગલે ટ્રાફિક પોલીસને દર બે મિનિટે એક કોલ મળતો હતો. અંદાજે 50થી વધુ ટ્રાફિક જામની ફરિયાદો મળી હતી. શહેરમાં સૌથી વધુ ગોતામાં 4.5 અને સરખેજ, પાલડીમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. દાણાપીઠમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. મોટા ભાગના વિસ્તારોમાં દર કલાકે એક ઈંચ જેટલો વરસાદ પડયો છે. અને બેથી ત્રણ કલાકના સમયગાળામાં બેથી ત્રણ ઈંચ વરસાદ પડયો છે


છતાં અડધુ શહેર જળબંબાકાર બની ગયું હતું. મોડી સાંજે નવ વાગ્યા પછી વરસાદ ધીમો પડી ગયો હોવા છતાં પણ સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી ઓસર્યા ન હતા. જેના કારણે મ્યુનિ.દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કેચપીટો અને મેનહોલ સાફ કરી દીધા હોવાની પોલૉ ખુલ્લી પડી ગઈ હતી. ઈજનેર વિભાગની અક્ષમ્ય બેદરકારી બુધવારે ફરીથી છત્તી થઈ હતી. જો કે, મોટા ભાગના તળાવોમાં પાણીનો નિકાલ કર્યો હોવા છતાં પણ સંખ્યાબંધ સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. પાલડી, સત્તાધાર, હાટકે‌શ્વર અને જીવરાજપાર્ક વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયા હતા.