ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 23 ઑગસ્ટ 2024 (18:56 IST)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોગસ સ્પોન્સરશિપથી નોકરી લેનારા ફાયરબ્રિગેડના 9 અધિકારીઓ સસ્પેન્ડ

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોગસ સ્પોન્સરશિપ લઈ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી અને તેના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનાર 9 જેટલા ફાયર બ્રિગેડના અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરે આજે નોકરીમાંથી કાઢી મૂકવા માટેનો ઓર્ડર કર્યો હતો.ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશિપથી પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના IR વિભાગ દ્વારા ફાઈનલ શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી.10 દિવસમાં બોગસ સ્પોન્સરશિપ મામલે જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો.જેમાં ફાયર વિભાગના તમામ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલો જવાબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યો નહોતો.
 
બોગસ સ્પોન્સરશિપથી નોકરી મેળવી હતી
અમદાવાદ ફાયરબ્રિગેડમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ અને ઓમ જાડેજાએ ગુજરાત સ્ટેટ સિવિલ ડિફેન્સ અમદાવાદની બોગસ સ્પોન્સરશિપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી સબ ઓફિસરનું પ્રમાણપત્ર મેળવી અન્ય સંસ્થાઓમાં નિમણૂક મેળવી ફરજ બજાવી અને તેના અનુભવના આધારે AMCના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી. ગાંધીનગર અને અમદાવાદનો હવાલો સંભાળતા ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરે પણ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં સબ ઓફિસર્સ કોર્ષ, સ્ટેશન ઓફિસર અને ઈન્સ્ટ્રક્ટર્સ કોર્ષ તથા ડિવિઝનલ ઓફિસર્સ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટેનો નિયત કરાયેલ અનુભવ મેળવ્યા સિવાય અયોગ્ય રીતે પ્રવેશ મેળવી AMCના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી.
 
જવાબ સંતોષકારક ન જણાતા તેઓને નોકરીમાંથી કાઢી મુકાયા
આ અધિકારીઓ મુદ્દે AMC કમિશનરને ફરિયાદ મળી હતી. જેને લઈને તેમની સામે વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી.વિજિલન્સ તપાસમાં તમામ આરોપો પુરવાર થતાં તેમને ફાઇનલ શો પોસ્ટ નોટિસ આપવામાં આવી હતી. જેનો જવાબ સંતોષકારક ન જણાતા તેઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોવાનો ઓર્ડર કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.ફાયરબ્રિગેડમાં ભૂતકાળમાં ફરજ બજાવતા અધિકારીઓએ પોતાના હોદ્દાના દુરુપયોગ કરી પોતાનાં સંતાનો અને લોકોને બોગસ સ્પોન્સરશિપના આધારે નાગપુરની એનએફએસસી કોલેજમાં પ્રવેશ અપાવી દીધો હતો. વર્તમાન અધિકારીઓ વિરુદ્ધ વિવિધ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યા છે. જેમને ચાર્જશીટ આપવામાં આવી છે તે પૈકી કેટલાક અધિકારીઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ અગાઉથી કોર્ટમાં કેસ કર્યો છે.