સોમવાર, 4 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 જૂન 2022 (12:57 IST)

અમદાવાદમાં વરસાદ ખેંચાતા ગરમી વધી, રાજ્યમાં સિઝનનો 6.5%, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 7.89% વરસાદ નોંધાયો

rain in ahemdabad
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ બરાબર વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરત, વલસાડ અને ડાંગ, નવસારી અને તાપી, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. બીજી તરફ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદે વિરામ લેતાં ગરમીનો પારો વધી રહ્યો છે.

અમદાવાદ અને ગાંધીનગર સહિત નલિયામાં ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે.છેલ્લા 24 કલાકમાં 70 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ચીખલીમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ડાંગ, સુરત, જૂનાગઢ, અમરેલી, વલસાડ, પોરબંદરમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના તાલુકાઓ હજી કોરાધાકોર રહ્યાં છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ ખેંચાતા બફારો વધ્યો છે. આગામી દિવસોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી જાય તો નવાઈ નહીં. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં થયો છે.

સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 7.89 ટકા વરસાદ વરસ્ચો છે. જ્યારે દક્ષિણ ઝોનની વાત કરીએ તો 6.56 ટકા વરસાદ થયો છે. સૌથી ઓછો વરસાદ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થયો છે. કચ્છમાં 3.33 ટકા અને ઉત્તર ગુજરાતમાં 3.77 ટકા વરસાદ થયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 4.67 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં માત્ર 6.5 ટકા જ વરસાદ નોંધાયો છે. હવામાન વિશેષજ્ઞોનું કહેવું છે કે, અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચી લાવતા વાદળ ન રચાતા ચોમાસું ખેંચાયું છે. ભેજવાળા પવનોને અભાવે વાદળો રચાઇને વિખરાઇ જાય છે. 29 જૂનથી સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. 3 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં 22 જુનને બદલે 29 જુનથી ચોમાસુ આગળ વધવાની શક્યતા છે. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.5 ડિગ્રી વધીને 40.3 ડિગ્રી નોંધાયું હતું.હવામાન વિશેષજ્ઞનું કહેવું છે કે હાલમાં અરબ સાગરમાં સક્રિય અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સુધી સીમિત રહી છે. જેથી આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ, સર્ક્યુલેશનની સિસ્ટમ મધ્ય અને ઉત્તર ગુજરાત સુધી પહોંચી નથી, જેથી વાદળો બને છે, પણ વાતાવરણના ઉપર અને નીચેના લેવલમાં વરસાદ ખેંચી લાવે તેવાં ભેજવાળા પવનોની અનુકૂળ પેટર્ન ન હોવાથી વાદળો વિખરાઇ જાય છે.

શિયાળામાં રાજયમા સૌથી ઠંડા રહેતા અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમી અનુભવાઇ રહી છે. ગુરૂ અને શુક્ર એમ સતત બે દિવસ મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચતાં છેલ્લા દાયકાની વિક્રમજનક ગરમી પડી હતી. અગનવર્ષા થતાં નગરની બજાર બપોરે સૂમસામ બની હતી. સામાન્ય દિવસોમાં મુખ્ય બજાર સવારથી સાંજ સુધી ગામડાઓના ગ્રાહકોથી ભરચક રહેતી હોય છે પણ છેલ્લા બે દિવસથી પારો અસામાન્ય રીતે ઉંચકાતાં ચહલ પહલ નહિવત બની છે.