શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (16:55 IST)

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરીવાર કોંગ્રેસમાં જોડાશે, કોંગ્રેસ હાઈકમાન્ડ તેમની કોંગ્રેસમાં વાપસી પર મહોર લગાવશે

જુઓ વીડિયો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરીવાર કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી શંકરસિંહને પક્ષમાં પરત લાવવા માટે મધ્યસ્થી કરી રહ્યાં છે. કોંગ્રેસ હાઈ કમાન્ડ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી પર મહોર લગાવશે. શંકરસિંહ વાઘેલાએ ફેસબુક પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે સોનિયા ગાંધી મને વાતચિત કરવા બોલાવશે તો હું દિલ્હી જઈને તેમની સાથે ચર્ચાઓ કરીશ. તે ઉપરાંત કોંગ્રેસ હાઈ કમાન્ડ મને કહેશે તો હું વિના શરતે અને સંકોચે કોંગ્રેસમાં જઈશ.


 
શંકરસિંહે ફેસબુક પર વીડિયો પોસ્ટ કર્યો
 
કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું જ્યારે અવસાન થયું અને તેમનો દેહ તેમના વતનમાં લાવવામાં આવ્યો ત્યારે હું સ્વાભાવિક પણે ત્યાં ગયો હતો. ત્યાં ઘણાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો મને ભેટીને રડી પડ્યાં હતાં. તેઓએ મને કહ્યું હતું કે હવે તમે કોંગ્રેસમાં પાછા આવી જાઓ. તે સમયે રાજકારણની કોઈ ચર્ચા કરવાનો કોઈ અવકાશ નહોતો. ત્યાર બાદ પણ અનેક કોંગ્રેસના આગેવાનોએ મને આગ્રહ કર્યો હતો કે હવે તમે કોંગ્રેસમાં આવી જાઓ તો સારુ. આ અનુસંધાને મારો જવાબ એક જ છે. દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મારે વર્ષોથી સંબંધ છે. જ્યારે તે લોકો એવું કહેશે કે બાપુ રાજકીય રીતે તમારે શું કરવું જોઈએ આવી વાતચિત કરવા માટે મને દિલ્હી બોલાવશે તો હું જરૂર દિલ્હી જઈશ. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે હું જે પણ કંઈ કરી રહ્યો છું એમાં કોંગ્રેસ હાઈ કમાન્ડ મને કહેશે તો હું દિલ્હી જઈને એમની સાથે વાતચિત કરીને આગળ વધીશ. જો કોંગ્રેસ મને કહેશે કે કોંગ્રેસમાં આવો તો હું વિના શરતે કોંગ્રેસમાં જઈશ. 

 
શંકરસિંહે અત્યાર સુધીમાં કયા કયા પક્ષ છોડ્યાં
ભાજપ(જનસંઘ)માં જોડાઈને રાજકીય સફર શરૂ કરનારા શંકરસિંહે ભાજપ બાદ રાજપાની સ્થાપના કરી હતી. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને કેન્દ્રમાં કાપડ મંત્રી પણ બન્યા. જો કે 2017 વિધાનસભા ચૂંટણી સમયે તેમણે કોંગ્રેસને રામરામ કર્યા અને જન વિકલ્પ નામના પક્ષની સ્થાપના કરી હતી. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ગજ ન વાગતા તેઓ જૂન 2019માં NCPમાં જોડાયા હતા. પરંતુ એક વર્ષમાં જ તેમણે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું.
 
2017માં કોંગ્રેસ છોડીને તેમણે જનવિકલ્પ મોરચાની રચના કરી હતી
આ પૂર્વે શંકરસિંહે 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. તે પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જન વિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ તે વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો ન હતો. તે પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્વ જળવાતું ન હોય તેવું લાગ્યું હતું.