સુરતના વરાછામાં જમીનમાંથી જ્વાળામુખીની જેમ કાદવ નીકળ્યો, નળમાંથી પણ નીકળે છે કાદવ
સુરતમાં વિઠ્ઠલનગર સોસાયટીમાં આશ્ચર્યજનક દૃશ્યો સામે આવ્યાં છે, જેને લઈને શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. વિઠ્ઠલનગર સોસાયટીમાં એક જ ઘરના જે નળ હતા એમાંથી પાણીને બદલે કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો હતો. એકાએક જ કાદવનો સ્તર વધવા લાગતાં આખી સોસાયટીના રહીશો ચિંતામાં મુકાયા છે.
સામાન્ય રીતે વરસાદના સમય દરમિયાન આપણને સોસાયટીઓમાં પાણી ભરાવાને કારણે કાદવનાં દૃશ્યો જોવા મળતાં હોય છે, પરંતુ સુરતની હીરાબાગ સર્કલ પાસે આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં જે દૃશ્યો જોવા મળ્યાં છે એનાથી સૌકોઈ અચંબિત થઈ ગયા છે. સોસાયટીનાં ઘરોમાં જ્યાં જ્યાં પાણીની પાઇપો હતી એમાં પાણી આવવાને બદલે કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો હતો. ખૂબ મોટા પ્રમાણમાં કાદવ એકાએક જ જમીન સ્તરથી ઉપર આવવાનો શરૂ થતાં લોકો ગભરાઈ પણ ગયા હતા. આનાં દૃશ્યોને જોઈને સૌકોઈ આશ્ચર્યમાં મુકાયા છે.વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત કફોડી બની છે. મેટ્રોની કામગીરી સમયે સોસાયટીમાં કાદવના થર થઈ ગયા છે. સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યું છે. લોકોએ ઘરમાં કાદવ ઘૂસતો અટકાવવા ઈંટોની આડશ મૂકી છે.સોસાયટીમાં એકાએક કાદવ ઊભરાવા લાગ્યો હતો. સોસાયટીના રસ્તાઓ પર કાદવ ફરી વળ્યો છે. એેને કારણે રહીશો સોસાયટીની બહાર પર જઇ શકતા નહોતા. માત્ર સોસાયટીના રસ્તા જ નહીં, પરંતુ ઘરમાં પણ ગટરની લાઇન કે પછી પાણી નિકાલની લાઇનોમાંથી પણ કાદવ બહાર આવી રહ્યો છે. અમુક ઘરોમાં કાદવોના થર જમા થઈ રહ્યા છે, જેને કારણે વિઠ્ઠલનગર સોસાયટીના રહીશોની હાલત કફોડી બની છે.શહેરભરની અંદર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે. હીરાબાગ સર્કલની આસપાસ પણ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઈને કામગીરી થઈ રહી છે. જે સોસાયટીઓની અંદર અચાનક જ પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો છે એની પાછળ મેટ્રોની કામગીરી કારણભૂત જણાઈ રહી હોવાની ચર્ચા છે. મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન ક્ષતિ થઈ હોવાને કારણે પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવતો હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે.