રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (15:00 IST)

મુખ્યમંત્રીએ 53 કરોડના ખર્ચે 151 નવી બસોનો શુભારંભ કરાવ્યો

new st bus
રાજ્યમાં જાહેર પરિવહનને વેગ આપવા રાજ્ય સરકારે કમર કસી છે. રાજ્ય સરકારે નાગરિકો માટે બે સુવિધાઓનો શુભારંભ કરાવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કુલ 53 કરોડ રૂપિયાના ખર્ચે નવી 151 બસ મુસાફરોની સેવામાં કાર્યરત કરી છે.
st bus

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ એમ કુલ 151 બસનું ગાંધીનગરમાં બે ડ્રાઈવરોને બસની ચાવી પ્રતીક રૂપે આપીને લોકાર્પણ કર્યું હતું. જ્યારે ઓટોમેટિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. નોંધનીય છે કે, આ 151 બસનું નિર્માણ એસ ટી નિગમ દ્વારા ઈન હાઉસ કરવામાં આવ્યું છે.એસટી નિગમે મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે એક હજાર નવી બસ સંચાલનમાં મૂકવાનું આયોજન કર્યું છે. તેના માટે 310 કરોડની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. તેના ભાગરૂપે મુખ્યમંત્રીએ આજરોજ 53 કરોડના ખર્ચે 151 નવી બસોનો શુભારંભ કરાવ્યો છે. જેમા 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ સામેલ છે. આ બસો આજથી મુસાફરોની સુવિધા માટે કાર્યરત થઈ જશે.

આપને જણાવી દઈએ કે, જે 1 હજાર બસ મૂકવાનું આયોજન છે, તેમાંથી 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી અને 200 સ્લીપર કોચ બસો હશે.આ ઉપરાંત સરકાર રાજ્યમાં પ્રદૂષણ ઓછું કરવા માટે પણ કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રીન ક્લિન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે એસટી નિગમે ઝીરો એર પોલ્યુશન ધરાવતી 50 ઈલેક્ટ્રીક બસ સંચાલનમાં મૂકી છે અને હજુ વધારે 50 ઈ બસ નાગરિકોની સેવામાં આવનારા દિવસોમાં શરૂ કરાશે. એટલું જ નહીં 2020માં દેશમાં જાહેર પરિવહન સેવા માટે કાર્યરત નિગમ દ્વારા પર્યાવરણ પ્રિય BS06 નોર્મ્સ ધરાવતી 1 હજાર બસ દેશભરમાં પ્રથમ સંચાલનમાં મુકનારા નિગમનું ગૌરવ પણ ગુજરાત એસ.ટી નિગમને મળેલું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત એસટી નિગમને કાર્યદક્ષ, સમયસર અને પર્યાવરણ પ્રિય યાતાયાત સુવિધા લોકોને પૂરી પાડવા અંગે અભિનંદન પાઠવ્યા હતા.