ગુજરાતના શહેરોમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓનો ગેરકાયદે વસવાટ
આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે એક માહિતી મુજબ ગુજરાતમાં પાંચ લાખથી વધુ બાંગ્લાદેશીઓ ઘુસી ગયા છે. અહી વસવાટ કરી ધંધો રોજગાર કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. કેટલાક તો કાયમી વસવાટના પુરાવા પણ ઉભા કરી ભારતીય નાગરિકત્વ મેળવી લીધુ હોવાની વિગતો બહાર આવી છે. ગુજરાતમાં ૧૯૯૫ અગાઉ ભારતીય જનતા પક્ષ જ્યારે સત્તા પર ન હતો ત્યારે ભાજપના અગ્રણીઓ કોંગ્રેસ પક્ષ સામે મોંઘવારી, આંતકવાદ જેવા મુદ્દા પર દેશવ્યાપી આંદોલનો કરતા રહ્યા હતા. જેમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન પણ જે તે વખતે ચગાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સત્તા પર આવ્યા બાદ બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મામલો અભરાઈ પર ચઢાવી દેવામાં આવ્યો હતો. ગુજરાતમાં અગાઉ આદિવાસી વર્ગ જે મજૂરીનું કામ કરતો હતો તે ઉપરાંત હવે બિહારીઓ તેમજ બાંગ્લાદેશીઓ પણ બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ઉપરાંત સુરતમાં ટેકસટાઈલ ક્ષેત્રે મજૂરીનું કામ કરી રહ્યાં છે. ગુજરાતમાં ૧૯૯૫ થી ભાજપ સત્તા પર આવ્યું ત્યારબાદ બાંગ્લાદેશી ઘૂસણખોરોને અટકાવવામાં નિષ્ફળ રહ્યું છે. એટલું જ નહી વિવિધ સરકારી વિભાગોના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ તેઓને ભારતીય નાગરિકત્વ અંગેના પૂરાવા પણ ઉભા કરવામાં યેન કેન પ્રકારેણ મદદરૃપ થઈ રહ્યાં હતા. જેથી ગુજરાતનાં મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર જેવા ઔદ્યોગિક વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ગેરકાયદે રહેતા પાકિસ્તાની તેમજ બાંગ્લાદેશી મળી અંદાજે પાંચ લાખથી વધુ લોકો વસવાટ કરતા હોવાની માહિતી ગુજરાત પોલીસ તેમજ ઈન્ટેલિજન્સ બ્યુરો પાસે પણ છે છતાં રાજય સરકાર ગેરકાયદે વસવાટ કરી રહેલા બાંગ્લાદેશી તેમજ પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી કરતી નથી.