ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 મે 2018 (14:34 IST)

બનાસકાંઠા ગૌશાળા સહાય મુદ્દે સંચાલકોએ ગાયો છોડાવાનું કર્યું શરૂ 97 ગૌશાળાને 17 વર્ષથી નથી મળી સહાય

ગુજરાતમાં  ઉનાળામાં માણસની સાથે અબોલ પશુઓની પણ સ્થિતિ દયનીય બની છે. આ સાથે ગુજરાતની ગૌ શાળમાં રખાતી ગાયોની પણ કપરી પરિસ્થિતિ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી 97 ગૌશાળાની હાલત કફોડી છે. આ ગૌશાળામાં 17 વર્ષથી કોઇ જ સહાય ચૂકવાઈ નથી. ઘણા સમય પહેલા ગૌશાળાના સંચાલકોએ સરકારને સહાય કરવા માટે આવેદન પત્ર આપ્યું હતુ છતાં વહિવટી તંત્રએ કોઇ દરકાર ન લેતા આખરે ગૌશાળાના સંચાલકોએ અબોલને છોડી દેવાની વાત ઉચ્ચારી હતી. શનિવારે ગૌશાળા સંચાલકોએ ગાયોને છોડવાની શરૂઆત કરી દીધી છે.

બીજી તરફ ગૌશાળાના સંચાલકોએ આપેલી ચીમકીના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે.  2 દિવસમાં કોઇ નિર્ણય કરવાની ખાતરી પણ આપી હતી. જે અનુસંધાને પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેક્ટર અને ગૌશાળા સંચાલકોની બેઠક પણ યોજાઇ હતી. બનાસકાંઠાની 97 ગૌશાળાઓમાં છેલ્લા 17 વર્ષથી સરકાર તરફથી કોઈ સહાય ન મળવાના કારણે ગૌશાળાઓની સ્થિતિ ખુબજ દયનીય થતા અને સરકાર પાસે સહાય માટે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા ગઈકાલે શુક્રવારે ગૌશાળાના સંચાલકો દ્વારા ડિસાની સરકારી કચેરીઓમાં ગાયો છોડી મુકવાની ચીમકી આપ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગૌશાળાના સંચાલકો સાથે ડીસાના એસડીએમ અને ધારાસભ્યએ બેઠક કરીને 2 દિવસમાં નિર્ણય કરવાની વાત કરતા ગાયો છોડવાનું મોકૂફ રખાયું હતું જે અનુસંધાને આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેકટરની અધ્યક્ષતામાં ગૌશાળાના સંચાલકોની બેઠક રખાઈ હતી જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક બાદ કલેક્ટરે આ બેઠક સફળ રહી હોવાનું કહ્યું હતું બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલેના જણાવ્યા પ્રમાણે  આ સમસ્યાનો જલ્દી ઉકેલ આવે તે માટે સરકાર પોજેટિવ છે આ નીતિવિષયક નિર્ણય હોવાથી અમે તેમને રાહ જોવાની વાત કરી છે અમે સરકાર સમક્ષ તેમના મુદ્દા પહોંચાડયા છે. આ બેઠક બાદ જિલ્લા કલેક્ટર બેઠક સફળ રહ્યાની વાત કરી રહ્યા છે તો બીજી બાજુ ગૌશાળાના સંચાલકો દ્વારા તેમને કોઈ ચોક્કસ આશ્વાસન ન મળ્યાની વાત કરી રહ્યા છે. ગૌશાળાના સંચાલકોનું કહેવું છે કે તંત્ર અમારી પાસે વધુ સમય માંગે છે પરંતુ હવે અમારી પાસે વધુ ઘાસચારો નથી એટલે હવે જો સહાય નહીં મળે તો અમારે મજબૂરીવશ ગાયો છોડવી જ પડશે અને અમને કોઈ જ સહાય 17 વર્ષમાં નથી મળી એટલે કૌશિક પટેલ જે વાતો કરે છે તે તદ્દન જૂઠી છે. બનાસકાંઠાની 97 જેટલી ગૌશાળા અને પાંજરાપોળમાં 65 હજાર જેટલા પશુઓની હાલત ઘાસચારા વગર દયનીય બની છે. તંત્ર અને ગૌશાળાના સંચાલકોની આ બેઠકમાં મહત્વની ભૂમિકા ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ભજવી હતી. તેમનું કહેવું છે કે સરકાર ગૌ પ્રેમી છે અને અમને પણ ગાયોની સ્થિતિ ઉપર દયા આવે છે અમે આજે તાત્કાલિક અસરથી સરકારમાં ઝડપથી નિકાલ આવે તેવી રજૂઆત કરી છે. ગાય માતા દુઃખી થવી ન જોઈએ અને અમને વિશ્વાસ છે કે ગૌશાળાના સંચાલકો માની જશે