મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 ફેબ્રુઆરી 2018 (12:13 IST)

ચૂંટણી પરિણામો - બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ જ્યારે ખેડામાં ભાજપનો વિજય

તાલુકા અને જિલ્લા પંચાયતની 21મી ફેબ્રુઆરીએ થયેલી ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડામાં ભાજપ જ્યારે, બનાસકાંઠામાં કોંગ્રેસનો વિજય થયો છે. મહત્વનું છે કે, 2013માં આ બંને જિલ્લા પંચાયતોમાં ભાજપનો વિજય થયો હતો, જેમાંથી એક જિલ્લા પંચાયત કોંગ્રેસે આ વખતે જીતી લીધી છે. બે જિલ્લા પંચાયત સાથે બનાસકાંઠા જિલ્લામાં 13 તાલુકા પંચાયતોની પણ ચૂંટણી થઈ હતી. જેમાંથી ચાર પર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે છ પર ભાજપનો વિજય થયો છે, જ્યારે દિઓદર અને લાખાણી તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે.

2013માં થયેલી આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને પાંચ તા.પં.માં વિજય મળ્યો હતો, જ્યારે ભાજપને આઠ તા.પં.માં વિજય મળ્યો હતો. આ ઉપરાંત, ખેડા જિલ્લાની કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતમાં થયેલી ચૂંટણીના પરિણામ પણ આવી ગયા છે. જેમાં કઠલાલમાં ભાજપનો જ્યારે, કપડવંજમાં કોંગ્રેસનો વિજય થયો છે. 2013માં આ બંને તાલુકા પંચાયતો ભાજપે જીતી લીધી હતી. જોકે, આ વખતે કપડવંજમાં કોંગ્રેસનો ઝંડો લહેરાયો છે. ગાંધીનગર તાલુકા પંચાયત પણ કોંગ્રેસે ભાજપ પાસેથી છિનવી લીધી છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સૌથી વધુ બેઠકો જીતી છે. ઉલ્લેખનીય છે કે, 2013માં ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો હતો. ત્રણ જિલ્લાની તાલુકા પંચાયતની કુલ 434 બેઠકો પર ચૂંટણી થઈ હતી, જેમાંથી ભાજપને 207 જ્યારે, કોંગ્રેસને 209 બેઠકો મળી છે. જ્યારે, અપક્ષોને 16 બેઠકો પર જીત મળી છે.