રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 માર્ચ 2023 (11:27 IST)

બિલકીસબાનો કેસ : દોષિતોની સજામાફી મામલે સુપ્રીમની ગુજરાત અને કેન્દ્ર સરકારને નોટિસ

બિલકીસબાનો સામૂહિક દુષ્કર્મ કેસના 11 દોષિતોની સજામાફીને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે.
 
બે જજોની ખંડપીઠે નોંધ્યું છે કે દોષિતોએ આચરેલ ગુનો જઘન્ય છે અને તેમાં લાગણીઓથી અભિભૂત થઈ શકાય નહીં.
 
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કે. એમ. જોસેફ અને જસ્ટિસ બી. વી. નાગરત્નાની બૅન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી.
 
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે દોષિતોએ આચરેલું કૃત્યુ જઘન્ય છે અને આ મામલે લાગણીવશ થઈને નિર્ણય લઈ શકાય નહીં.
 
આ સાથે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સજામાફીની નીતિ અંગેની ફાઇલો સાથે 18 એપ્રિલે તૈયાર રહેવાનું કહ્યું છે.
 
વર્ષ 2002માં ગોધરામાં રમખાણો દરમિયાન બિલકિસબાનો પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેમના ગર્ભમાં રહેલા બાળક સહિત પરિવારના સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી.
 
 
સુપ્રીમ કોર્ટે કહ્યું, "એમાં કોઈ શંકા નથી કે આ એક જઘન્ય કૃત્ય છે. શું રાજ્ય પાસે પૉલિસી છે? કારણ કે એવા ઘણા લોકો જેલોમાં છે જે હત્યા માટે સજા ભોગવી રહ્યા છે."
 
અરજદારો પૈકીના એક માટે હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું, "અમે કહીએ છીએ કે માફી આપવાનું જે કારણ છે એ સ્પષ્ટ નથી. કોર્ટે માફી આપવા માટે એક વ્યાપક રૂપરેખા નક્કી કરવી પડશે."
 
તેમણે આગળ દલીલ કરી કે "આ કોઈ સામાન્ય કિસ્સો નથી. ગુજરાતમાં ભરોસો ન હોવાથી કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર થયો હતો અને ગુજરાતે દોષિતોને માફી આપવાનો નિર્ણય લીધો છે. આ શું છે?"
 
જ્યારે દોષિતો પૈકીના એક તરફથી હાજર રહેલાં વકીલ ઋષિ મલ્હોત્રાએ અરજદારોની દલીલનો વિરોધ કર્યો અને કહ્યું કે સરકાર પાસે વિગતવાર સલાહકાર બોર્ડ છે અને તેમની પાસે સામાજિક કાર્યકરોથી લઈને નિષ્ણાતો સુધીના સભ્યો છે.
 
તેમણે આગળ કહ્યું, "બોર્ડે નોંધ્યું હતું કે તેમની વર્તણૂક સારી હતી. તેમને સાડા પંદર વર્ષની વાસ્તવિક સજા કરવામાં આવી હતી અને માફી માટેની આવશ્યક્તા 14 વર્ષ છે. આ નિયમિત અરજી કરતાં વધુ ભાવનાત્મક અરજી છે."