BJPના ધારાસભ્યએ અધિકારીઓ સામે કચરાપેટીની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો!
સુરતના મજૂરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવીએ સુરતની ભાજપ શાષિત મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. મહાનગરપાલિકા દ્વારા 3.80 કરોડ રૂપિયાના ખર્ચે કચરાપેટીઓની ખરીદી કરવામાં આવી છે. આ ખરીદીના કોન્ટ્રાક્ટમાં અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ થતા જ હાહાકાર મચી ગયો છે. ધારાસભ્યે ભાજપ શાષિત પાલિકાના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે કચરાપેટીની ગુણવત્તા હલકી છે અને 2-4 અધિકારીઓ ભ્રષ્ટ છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મેં સુરત મહાનગરપાલિકાના કમિશનર પાસે સંકલનમાં અપીલ કરી હતી કે મનપા દ્વારા રોડ પર કચરાપેટીઓ મૂકવામાં આવી છે તે અમૂક દિવસમાં ખરાબ સ્થિતિમાં જોવા મળી. આ સ્થિતિ જોઈને મેં રજૂઆત હતી. અમૂક અધિકારીઓએ પોતાની હોશિયારી વાપરી 3 કરોડના કોન્ટ્રાક્ટને 15-15 લાખ રૂપિયાના ટૂકડાંમાં વહેંચી અને ઝોન મુજબ વહેંચી લેવામાં આવી. આ ઘટનામાં ઘણા લોકોએ અનદેખી કરી છે તેની તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે. 2-4 ભ્રષ્ટ અધિકારીઓના કારણે સુરત મહાનગરપાલિકાનો સ્વચ્છતાનો ક્રમાંક ગગડ્યો છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આવા ભ્રષ્ટ અધિકારીઓને પકડવાની જવાબદારી પણ અમને આપેલી છે. અમે આ જવાબદારી પૂરી કરવા માંગીએ છીએ અમે કેટલીક ડિઝાઇનો આપી હતી જેમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની એલ.ઇ.ડી વાળી કચરાપેટીઓનું સજેશન હતુ પરંતુ કેટલાક અધિકારીઓએ હોશિયારી વાપરીને આ કચરાપેટીઓને બદલે હલકી ગુણવતાવાળી કચરાપેટી ખરીદી છે. આ સત્તાધીશોને પકડી અને તેમને ખુલ્લા પાડવાની જવાબદારી પણ અમારી છે. અધિકારીઓએ કેટલાક રાજકીય લોકોના સહારે આ પ્રકારનું કૌભાંડ આચર્યુ છે.