ભાજપમાં ભારે ભૂકંપની સ્થિતિઃ ભાજપના ધારાસભ્યોમાં હજુ અસંતોષઃ ગમે ત્યારે રોષ ભભૂકશે
ભાજપના બે ધારાસભ્યોએ સરકાર સામે બળાપો કાઢ્યા બાદ તેમને હાલ તો પાર્ટીએ મનાવી લીધા છે, પરંતુ આ વાત હજુ અટકી નથી. ભાજપના કંઇ કેટલાંય ધારાસભ્યોમાં અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. મૂળમાં વિધાનસભા સત્રની એક દિવસની બેઠક દરમિયાન જ સરકાર સામેના બળવાના બીજ રોપાઇ ગયા હતા. પાર્ટીના કેટલાંક ધારાસભ્યોએ લોંજમાં બેસીને કરેલી અનૌપચારિક ચર્ચામાં જ સરકાર સામેનો તેમનો રોષ વ્યક્ત કરાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએએને સમર્થન આપવાના પ્રસ્તાવ પસાર કરવા માટે બોલાવાયેલી વિશેષ બેઠકમાં જે સમયે વિપક્ષના તોફાનને કારણે ગૃહ મોકૂફ રહ્યું તે દરમિયાન ભાજપના ધારાસભ્યો વચ્ચે સરકારને લઇને ચાલતી વાતો અંગે ચર્ચા શરુ થઇ હતી અને તેમાંથી જ તેઓએ જ પોતાના કામો બાબતે સરકારમાં ચાલતી ઢીલાશની વાતો કાઢી હતી. અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ આર સી પટેલે પાર્ટીના કાર્યકર્તાઓને જેલ ભેગા કરી દેવાની ધમકી આપી હોવાની ઘટના વર્ણવતો એક નનામો પત્ર વહેતો થયો છે. જેમાં એક કાર્યકર્તાએ પક્ષના નેતાઓને જણાવ્યું કે પટેલે એક સરકારી કાર્યક્રમમાં તક્તીમાં તેમનું નામ ન જોતાં ગુસ્સે થઇને ધમકી આપી હતી કે હજુ બીજા ત્રણ વર્ષ તેઓ પ્રમુખ રહેશે અને તેમને જેલ ભેગા કરી દેશે તેવી વાત કરી હતી.