રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 જુલાઈ 2020 (14:31 IST)

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ચાર્જ સંભાળ્યો, હવે મંત્રી મંડળના વિસ્તરણની અટકળો

ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલની નિમણૂક કરી છે. સીઆર પાટીલ ભાજપના નવસારી લોકસભા મતવિસ્તારના સાંસદ છે અને લોકસભાની હાઉસિંગ કમિટીના અધ્યક્ષ છે. આજે સવારે 12.39 કલાકે સીઆર પાટીલે વિજય મહૂર્તમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પદભાર સંભાળી લીધો છે. રાજકીય નિષ્ણાતોના મતે સીઆર કુશળ સંગઠક છે અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પીએમ મોદીના નિકટના નેતા છે. સીઆર પાટીલના ચાર્જ સંભાળતાની સાથે જ ગાંધીનગરમાં રૂપાણી કેબિનેટના વિસ્તરણની અટકળો તેજ બની છે. આજે ગાંધીનગરમાં મંત્રી આવાસમાં સાફસફાઈના અહેાવાલ છે. ત્રણ બંગલાની સાફ સફાઈ થવાના કારણે રૂપાણી કેબિનેટમાં નવા ચહેરા સામેલ થવાની અટકળો છે, જેમાં પ્રદેશના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીને પણ કોઈ જવાબદારી સોંપાવમાં આવી શકે છે. આ સાથે સરકારમાં સંસદીય સચિવોની નિયુક્તિ પણ થઈ શકે છે.ભાજપની પરંપરા મુજબ પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીએ સીઆર પાટીલને સવા રૂપિયો અને શ્રીફળ આપીને પદભાર આપ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં સીઆર પાટીલે વિજય મહૂર્તમાં ચાર્જ લીધો હતો. કમલમ ખાતે રાજ્યમાંથી ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.આ સાથે પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના નવા રોલ વિશે પણ અટકળો શરૂ થઈ ગઈ છે. એક તબક્કે પ્રમુખ તરીકે બીજી ટર્મ રીપિટ કરવામાં આવે તેવી વાતો વહેતી થતા જીતુ વાઘાણી કોન્ફિડન્ટ જણાતા હતા. દરમિયાન કૉંગ્રેસે કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની નિમણૂક કરતા ભાજપમાં પણ પાટીદાર પ્રમુખ બને તેવી શક્યતાઓ જોવા મળી હતી. જોકે, ભાજપના મોવડી મંડળે જાતિવાદના પ્રેશરમાં આવ્યા વગર આ નિર્ણય લીધો હોય તેવું નિષ્ણાતો માની રહ્યા છે. દરમિયાન હવે જીતુ વાઘાણીને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં તેની અટકળો પણ તેજ બની છે.