રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 માર્ચ 2020 (10:41 IST)

સમી સાંજે દમણ ગોળીઓની ધણધણાટીથી ધ્રૂજી ઉઠી, પૂર્વ કોર્પોરેટર પર આડેધડ ફાયરિંગ કરી હત્યા

દમણ નગરપાલિકાના નામચીન પૂર્વ કોર્પોરેટર સલીમ મેમણની આડેધડ ફાયરિંગ કરી હત્યા કરવવામાં આવી છે. દમણના ભરચક ખારીવાડ વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સમગ્ર પ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ દમણના ઉચ્ચ પોલીસના અધિકારીઓ સાથેનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને હત્યારાઓને શોધવા તમામ દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ સલીમ મેમણ પણ ગંભીર ગુનાઓના અનેક કેસોમાં સંડોવાયેલો હોવાથી કોઈ મોટો વિવાદને કારણે હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
 
દમણનો ખારીવાડ વિસ્તાર સમી સાંજે ગોળીઓની ધણધણાટીથી ગુંજી ઉઠ્યો હતો. દમણના ખારવાવાડ વિસ્તારમાં આવેલી એક ટુ વ્હીલર વાહનના શો રૂમની અંદર થયેલા આડેધડ ફાયરિંગને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. દમણના નામચીન પૂર્વ કોર્પોરેટર સલીમ મેમણ પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેનું મોત નિપજ્યું હતું. આમ દમણના ભરચક વિસ્તારમાં નામચીન સલીમ મેમણની હત્યાની ઘટનાને કારણે સમગ્ર પ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે.
 
ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સલીમ મેમણ દમણના ખારીવાડ વિસ્તારમાં આવેલા પોતાના ટુ વ્હીલર વાહનના શોરૂમમાં બેઠો હતો. એ દરમિયાન બે બાઇક પર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ પ્રથમ શો રૂમની બહાર બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું. અને ત્યારબાદ શોરૂમમાં ઘૂસી અને સલીમ મેમણ પર આડેધડ ફાયરિંગ કરી હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ફાયરિંગ થતાં આસપાસના વિસ્તારના લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ફાયરિંગમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સલીમ મેમણને દમણની મરવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તેના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
 
અત્યારે પોલીસે  હત્યારાઓને ઝડપી પાડવા માટે દમણમાંથી બહાર નીકળતા તમામ રસ્તાઓ પર અને ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધર્યું છે. સીસી ટીવી કેમેરાના ફૂટેજ મેળવવા સહિત અને હત્યારાઓને ઝડપી પાડવા માટે તે તમામ દિશામાં તપાસ જ કરી છે. મહત્વપૂર્ણ છે કે સલીમ મેમણ પર અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સલીમ મેમણ પર સામૂહિક દુષ્કર્મ, જમીનના ખોટા દસ્તાવેજો બનાવવા, ખંડણી, ધાક ધમકી આપવી અને જમીનો પચાવી પાડવી સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. થોડા સમય અગાઉ જ જેલમાંથી બહાર આવ્યો હતો. સલીમ મેમણ દમણ નગરપાલિકાના કોર્પોરેટર હતો પરંતુ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાથી થોડા સમય અગાઉ જ દમણ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે સલીમ મેમણને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જોકે હજુ હત્યાનું કારણ જાણી શકાયું નથી.
 
મહત્વપૂર્ણ છે કે થોડા વર્ષો અગાઉ પણ વલસાડ નજીક હાઇવે પર આવેલી એક હોટલ ની બહાર પણ સલીમ મેમણ પર ફાયરિંગ થયું હતું. જોકે એ વખતે સલીમ મેમણનો આબાદ બચાવ થયો હતો. પરંતુ સોમવારે પોતાના ઘર નજીક પોતાના શોરૂમમાં અજાણ્યા શખસોએ ફાયરીંગ કરી તેની હત્યા કરી ફરાર થઈ ગયા છે. મહત્વપૂર્ણ છે કે સલીમ મેમણ પોતે પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને અનેક ગંભીર ગુનાઓમાં તેનું નામ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યું છે. ચર્ચા મુજબ સલીમ મેમણ પર થયેલા ફાયરીંગ અને હત્યાની આ ઘટનામાં જમીનનો કોઈ મોટો વિવાદ કારણભૂત હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. જોકે અત્યારે તો દમણ પોલીસે હત્યારાઓની ઝડપવા સીસીટીવી ફૂટેજ સહિતના સબૂતો એકઠા કરી હત્યારાઓને ઝડપી હત્યાના મૂળ કારણ સુધી પહોંચવા તમામ દિશાઓમાં તપાસ તેજ કરી છે.