BRTSમાં હવેથી જૂનાં જનમિત્રકાર્ડ નહીં ચાલે, નવાં આપવાની વ્યવસ્થા ઊભી કરાઇ
બીઆરટીએસ સેવાનો ઉપયોગ કરનારા ઉતારુઓ પૈકી અંદાજે ૨૫ થી ૩૦ હજાર ઉતારુઓ જનમિત્રકાર્ડ ધરાવે છે, જે પૈકી નિયમિત રીતે બીઆરટીએસ કાર્ડને ઉપયોગમાં લેનારા તો માત્ર નવ હજાર ઉતારુ છે, પરંતુ લાંબા સમયથી ઉતારુઓ દ્વારા જૂનાં જનમિત્રકાર્ડનો વપરાશ થઇ રહ્યો હોઇ આજથી તંત્ર દ્વારા જૂનાં જનમિત્રકાર્ડને બંધ કરાયાં છે. આમ તો તંત્ર દ્વારા બીઆરટીએસના ઉતારુઓ માટે નવાં જનમિત્રકાર્ડનું લોન્ચિંગ કરાયું છે. તેમ છતાં અનેક ઉતારુઓએ પોતાનાં જૂનાં જનમિત્રકાર્ડનો વપરાશ ચાલુ રાખ્યો છે,
જેના કારણે સત્તાવાળાઓ દ્વારા આવા ઉતારુઓને જૂનાં જનમિત્રકાર્ડના બદલે નવાં જનમિત્રકાર્ડ કઢાવી લેવાની વારંવાર અપીલ કરાતી હતી. તેમ છતાં જૂનાં જનમિત્રકાર્ડનો વપરાશ અટક્યો ન હતો એટલે આજથી જૂનાં જનમિત્રકાર્ડને બંધ કરી દેવાયાં છે તેમજ જૂનાં જનમિત્રકાર્ડનો ઉપયોગ આજથી દંડનીય અપરાધ ગણાશે. દરમિયાન સત્તાધીશો દ્વારા ઉસ્માનપુરાની પશ્ચિમ ઝોનની કચેરીએ આવેલા બીઆરટીએસના કંટ્રોલરૂમ ખાતે ઓફિસ અવર્સ દરમિયાન આગામી તા. ૨૪ ઓગસ્ટ સુધી જૂનાં જનમિત્રકાર્ડને મફતમાં બદલીને નવાં જનમિત્રકાર્ડ કઢાવી આપવાની વ્યવસ્થા ઊભી કરાઇ છે, જેમાં જૂનાં જનમિત્રકાર્ડનું બેલેન્સ પણ નવાં જનમિત્રકાર્ડમાં ટ્રાન્સફર કરી અપાશે.