ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , બુધવાર, 31 જુલાઈ 2024 (17:51 IST)

CID ક્રાઈમ એક્શનમાંઃ એક સાથે 35 PIની અમદાવાદ અને ગાંધીનગરના સ્પા-હોટલમાં રેડ

અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં ચાલતા સ્પા અને હોટલોની અંદર થતી અનૈતિક પ્રવૃત્તિઓ અનેક વખત સામે આવી છે. પરંતુ કેટલીક જગ્યાએ ચાલતા આ ગોરખધંધાને સ્થાનિક પોલીસ મદદ કરતી હોવાની ચર્ચાઓ પણ પ્રકાશમાં આવતી રહે છે. CID ક્રાઇમે એક જ રાતમાં 35 જગ્યાએ રેડ કરી હતી. એક સાથે 35 PIની ટીમે અમદાવાદ અને ગાંધીનગરની મોંઘી હોટેલોમાં રેડ પાડી હતી. પોલીસે રેડ કરીને સ્પા અને હોટેલોમાં ચાલકી અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની રેડમાં હોટેલોમાંથી વિદેશી યુવતીઓ પણ મળી આવી છે. આ સમગ્ર રેડ દરમિયાન CID ક્રાઇમે કુલ 22 જેટલા ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
35માંથી 20 જગ્યાએ સફળ રેડ થઈ
CID ક્રાઈમના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે ગઈકાલે સીઆઇડી ક્રાઈમ અને રેલવેના 35 પોલીસ ઇન્સ્પેક્ટરને CID ક્રાઈમના વડા રાજકુમાર પાંડીયને બોલાવ્યા હતા અને ત્યારબાદ બધાને એક કવર આપીને રેડ કરવા માટે જણાવ્યું હતું. દરેક કવરની અંદર અલગ અલગ હોટલ અને સ્પાના સરનામા હતા. અમદાવાદ અને ગાંધીનગરના ઘણી હોટલ અને સ્પા પર રેડ કર્યા બાદ વિદેશી યુવતીઓ, દારૂની મહેફિલ અને અન્ય યુવતીઓને લાવવામાં આવી હોય તેવી વિગતો સામે આવી હતી. પોલીસે તમામની ધરપકડ પણ કરી છે. કુલ 35ની અંદર 20 જગ્યાએ સફળ રેડ થઈ ગઈ હતી. જ્યારે બીજી 15 જગ્યાએ નીલ રેડ થઈ હોવાનું સામે આવી છે.
 
આરોપીઓની ધરપકડ બાદ કાર્યવાહી કરાઈ
આ અંગે CID ક્રાઈમના ડીવાયએસપી આરએસ પટેલે એક મીડિયાને જણાવ્યું હતું કે અમદાવાદ-ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી છે. જેમાં ઈલીગલ ટ્રાફિકિંગના 13 કેસ, પાંચ વિદેશી યુવતીઓને વિઝાના શરતભંગના કેસ કરવામાં આવ્યા છે. જ્યારે દારૂની બોટલ પણ મળી આવી છે. જેમાં આરોપીઓ પણ હતા. જે અંગે પણ ગુનો નોંધવામાં આવે છે. અંદાજે 20થી 22 જેટલા ગુના નોંધ્યા બાદ હાલ આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.