ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (12:08 IST)

મુખ્યમંત્રી દુબઈમાં ઓબેરોય હોટલમાં રોડ શો યોજશે, અબુધાબીમાં નિર્માણાધિન BAPS મંદિર તથા શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત લેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10મી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ અંતર્ગત દુબઈ રોડ શો માટે આજથી દુબઈના બે દિવસના પ્રવાસે ગુજરાત પ્રતિનિધિ મંડળ સાથે રવાના થયા છે.આ પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગકારો જોડાયા છે.

મુખ્યમંત્રી અને તેમનું પ્રતિનિધિ મંડળ ઓબેરોય હોટલમાં રોડ શો યોજશે, અબુધાબીમાં નિર્માણાધિન BAPS મંદિર તથા શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત લેશે.મુખ્યમંત્રી તેમના આ વિદેશ પ્રવાસનો પ્રારંભ દુબઇમાં યોજાઇ રહેલા વર્લ્ડ એક્સપોની  મુલાકાતથી કરવાના છે. ભૂપેન્દ્ર પટેલ આ એક્સપોના સ્થળ પરજ UAEના કેબિનેટ મેમ્બર અને મિનિસ્ટર ઓફ ટોલરન્સ એન્ડ કો-એક્ઝીસ્ટન્સ શેખ નાહયાન બિન મબરક અલ નાહ્યાન સાથે મુલાકાત બેઠક યોજશે. આ ઉપરાંત મુખ્યમંત્રી UAEના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફોરેન ટ્રેડ થાની બિન અહમેદ અલ ઝેયુદી સાથે તથા પ્રતિષ્ઠિત ડી.પી. વર્લ્ડના ચેરમેન સુલતાન અહમેદ બિન સુલેયેમ સાથે બેઠક યોજશે. મુખ્યમંત્રી તેમના દુબઇ પ્રવાસના પ્રથમ દિવસે શ્રેણીબદ્ધ કાર્યક્રમો અંતર્ગત ઓબેરોય હોટલમાં UAEના આઠ જેટલા અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજવાના છે અને ગુજરાતમાં રોકાણ સંભાવનાઓ સંદર્ભે ચર્ચા-પરામર્શ કરવાના છે.

આ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકોમાં ડી.પી વર્લ્ડ, શરાફ ગૃપ, અસફનાર ગૃપ, એસ્ટર ડી.એમ હેલ્થકેર, કોનરેસ, એમાર પ્રોપર્ટીઝ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે. ભૂપેન્દ્ર પટેલ બુધવારે સાંજે ઓબરોય હોટલમાં આયોજિત રોડ-શૉ માં ઉપસ્થિત વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે બેઠક કરશે. આ રોડ-શૉ માં UAE ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધિર વિશેષ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પ્રવાસના બીજા દિવસે એટલે કે 9મી ડિસેમ્બરે સવારે રાસ અલ ખાહિમાના હિઝ હાઇનેસ સૌઉદ બિન સકર અલી કાસિમીની ભોજન સહ મુલાકાત લેશે. તેમની સાથે ગુજરાત પ્રતિનિધિમંડળ અબુધાબીમાં નિર્માણાધિન BAPS મંદિરની તથા શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદની પણ મુલાકાત લેશે.