ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (09:57 IST)

નડિયાદના ગુજરાતી બિઝનેસમેનની અમેરિકામાં ગોળી મારી હત્યા, પરિવારજનો ઉપર આભ તૂટી પડયું

A Gujarati businessman from Nadiad was shot dead in America
નડિયાદના વતની અને વર્ષોથી અમેરિકા રહેતા ગુજરાતી બિઝનેસમેન અમીત પટેલની અમેરિકાના કોલંબસમાં હત્યા થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અમિતભાઇ સવારના 9.30 વાગ્યાની આસપાસ માં કોલંબસના બુએના વિસ્ટા રોડ પર આવેલ સિનોવસ બેંકમાં પૈસા જમા કરાવવા જઇ રહ્યા હતા ત્યારે લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા કરવામાં હતી. અમીતભાઇને જ્યારે 10 વાગ્યેની આસપાસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.  
 
દિકરીના જન્મદિવસે જ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનો પર આભ તૂટી પડયું છે. વર્ષોથી પરિવાર સાથે અમેરિકાના જ્યોર્જીઆ સ્ટેટના કોલંબસ ખાતે રહેતા 45 વર્ષિય અમિત પટેલ મૂળ નડિયાદના રહેવાસી છે. અમિત પટેલ કોલંબસના બુએના વિસ્ટા રોડ ઉપર સેવરોન કંપનીનું ગેસ સ્ટેશન ભાગીદારીમાં ચલાવે છે. તેમણે 3 વર્ષની દિકરી છે. અને તેની સોમવારના રોજ 3જી બર્થડે હતી. ગઇકાલે અમિત પટેલ પૈસા જમા કરાવવા ગયા હતા.
 
દિકરીનો જન્મ દિવસ હોઇ તે બેંકની બહાર કોઇ કામે રોકાયા હતા. તે સમયે બેંકના પ્રવેશદ્વારે જ કોઇ અજાણ્યા શખ્શે તેમની ગોળી મારી હત્યા કરી દીધી હતી. પોલીસનો જણાવ્યા અનુસાર આ હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી છે. જો કે એ  અજાણ્યો શખ્સ ગોળી મારી  પૈસા લઇ ફરાર થઇ ગયો હતો.
 
અમીતભાઇની હત્યા થઇ તે દિવસે જે તેમની દીકરીનો જન્મ દિવસ હતો તેથી ઘરમાં આનંદનું વાતાવરણ હતું પરંતુ આ ઘટનાની જાણ થતાં સમગ્ર પરિવારનો આનંદ શોકમાં પલ્ટાઇ ગયો હતો. નડિયાદમાં રહેતા અમિત પટેલના સગા સંબંધીઓને આ સમાચાર મળતા જ સમગ્ર પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે.
 
તેમના ભાગીદાર વીની પટેલના જણાવ્યા અનુસાર  સપ્તાહના અંતે અમિત પૈસા અને રસીદો જમા કરતો હતો. આ કામે જ તે બેંકમાં ગયો હતો. ત્યારે બેંકની બહાર જ કોઇએ તેને ગોળી મારી હત્યા કરી છે અને પૈસા પણ લઇ ભાગી ગયો છે. આ ઘટનામાં પોલીસનું માનવું છે કે અમિતને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. પરંતુ મારૂં માનવું છે કે અમિતનો કોઇ વ્યક્તિ પીછો કરતો હતો, અને તેને અમિત પાસે પૈસા હોવાની જાણ હતી. તે વ્યક્તિએ જ આ હત્યા કરી હોવાની શક્યતા છે.