શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (09:07 IST)

ગુજરાતના ૬ જિલ્લાઓ-૬૮ તાલુકાઓ તથા ૧ર૯૧૦ ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણ પૂર્ણ

મુખ્યમંત્રીએ હર ઘર જલ યોજનાની રાજ્યમાં થયેલી પ્રગતિ અને હાથ ધરાઇ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી જિતુભાઇ ચૌધરી તથા પાણી પુરવઠા સચિવ ધનંજય દ્વિવેદી અને પાણી પુરવઠા બોર્ડ તેમજ વાસ્મોના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
 
મુખ્યમંત્રી સમક્ષ પાણી પુરવઠા વિભાગ દ્વારા હર ઘર જલ યોજના સંદર્ભે કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં ૬ જિલ્લાઓ, ૬૮ તાલુકાઓ અને ૧ર૯૧૦ ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણના કામો પૂર્ણ થઇ ગયા છે. ગ્રામીણ ઘરોમાં ૮૮.૬૩ ટકા નળ જોડાણ આપેલા છે.
 
રાજ્યમાં ગયા વર્ષે ૧૦.૯૪ લાખ ઘરોમાં નળ જોડાણ અપાયા છે તેમજ આ વર્ષે ૧૦ લાખના લક્ષ્યાંક સામે ૬.૩૮ લાખ ઘરોમાં નળ જોડાણ કામગીરી પૂર્ણ થઇ છે. આ સમીક્ષા દરમ્યાન મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે જે ૯.૩૭ લાખ ઘર જોડાણો બાકી છે તે આગામી સપ્ટેમ્બર-ર૦રર સુધીમાં પુરા કરવાના રહેશે. ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠાના ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં હોલીસ્ટીક એપ્રોચ માટે અને યોજનાઓના આયોજનમાં ઔદ્યોગિક જરૂરિયાત તથા શહેરી વિસ્તારોની જરૂરિયાતોનો સમાવેશ કરવા માટે પણ વિભાગને સૂચન કર્યુ હતું. આદિજાતિ વિસ્તારમાં નલ સે જલ અન્વયે લોકભાગીદારી વધુ મજબૂત બને તે માટે તેમણે ભાર મુક્યો હતો. 
 
આ બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, પાણી પુરવઠા વિભાગ દ્વારા યોજનાઓની મંજુરીની પ્રક્રિયા સરળ બનાવીને અમલીકરણમાં ગતિ લાવવામાં આવી છે. એટલું જ નહિ, ભારત સરકાર તરફથી મળેલી ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ થાય તેવું આયોજન પણ કર્યુ છે. રાજ્યમાં પીવાના પાણીની યોજનાઓના આયોજનમાં અર્બન આઉટગ્રોથ એરિયા અને આદિજાતિ વિસ્તારના સમગ્ર ફળિયાઓ પણ આવરી લેવાયા છે. મુખ્યમંત્રીએ પાણી પુરવઠા વિભાગની કામગીરી અંગે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.