ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

મુખ્યમંત્રી વિજય રૂપાણી દર મહિને "મનની મોકળાશ" કાર્યક્રમ યોજશે : નીતિન પટેલ

ગાંધીનગર: રાજ્યની વિકાસયાત્રામાં નાગરિકો પોતાના સૂચનો-વિચારો આપી શકે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી નાગરિકો સાથે સીધો સંવાદ કરવા પ્રતિમાસ "મનની મોકળાશ" કાર્યક્રમ યોજશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારના નાગરિકો-નિષ્ણાંતો રાજ્યની કલ્યાણકારી યોજનાઓમાં પોતાના સૂચનો આપી શકે તે માટે મુખ્યમંત્રી તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને નાગરિકોને બોલાવી મહિનામાં એકવાર આ કાર્યક્રમ યોજશે. જરૂર જણાશે તો મહિનામાં બે વાર પણ આ કાર્યક્રમ પ્રતિમાસ યોજાશે.
 
તેમણે ઉમેર્યુ કે, આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નાગરિકો, શ્રમિકો, આદિવાસીઓ, ખેડૂતો, શિક્ષણવિદો સાથે મુખ્યમંત્રીશ્રી સીધો સંવાદ કરશે, ઉપરાંત વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને પણ આમંત્રિત કરીને તેમની સાથે પણ પરામર્શ કરવામાં આવશે અને વિકાસ યાત્રામાં તેમને પણ સહભાગી કરાશે, જેના પરિણામે વિકાસ યોજનાના લાભો વધુ સરળતાથી છેવાડાના નાગરિકો સુધી પહોંચતા કરી શકાશે.    
 
આજે રાજ્યમંત્રીમંડળની બેઠકમાં દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું ગઇ કાલે નિધન થતાં તેઓને શ્રધ્ધાંજલિ આપી ઠરાવ પસાર કરાયો હતો. એ જ રીતે કાશ્મિરને ભારત સાથે એક રૂપ કરવા માટે ૩૭૦ કલમ દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરાયો છે તે માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.