બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 નવેમ્બર 2022 (10:58 IST)

Cold in Gujarat - રાજ્યમાં શિયાળો જામતાં ઠંડી શરૂઆત, 11 શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન

cold
ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થઇ ગયો છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધશે. તેમજ 15 નવેમ્બરથી ઠંડીનું જોર વધશે. તથા હવામાન વિભાગનું અનુમાન છે કે રાજ્યમાં કંડલા, નલિયા, કચ્છના ઠંડીની વધુ અસર રહેશે.આગામી ત્રણ દિવસ હજી તાપમાન નીચું જવાની આગાહી કરવામાં આવી છે. 
 
શિયાળાની શરૂઆત થતાં 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં સૌથી નીચું તાપમાન 14.6 નલિયામાં નોંધાયું છે. નલિયામાં સરેરાશ લઘુતમ  તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સામાન્ય રીતે નવેમ્બરના ચોથા સપ્તાહમાં નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે જતો જ હોય છે. બીજી તરફ ગાંધીનગરમાં 14.8 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો. આગામી ૩ દિવસ ગાંધીનગરમાં 15 થી 17 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાઇ શકે છે.
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસારઆગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો વધારો નોંધાશે. ભારતના હવામાન વિભાગ દ્વારા કોઈપણ ઋતુ શરૂ થાય તેના પહેલા લાંબાગાળાનું અનુમાન જાહેર કરે છે. આવામાં નવેમ્બર મહિનામાં તાપમાન કેવું રહેશે, તેને લઈ અનુમાન જાહેર કર્યું છે. ગુજરાતમાં નવેમ્બર મહિનામાં લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય રહેવાનું પૂર્વાનુમાન લગાવ્યું છે. તાપમાન સામાન્ય રહેવાના કારણે નવેમ્બર મહિનામાં કોલ્ડ વેવની કોઈ શકયતા નથી.
 
ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ કડકડતી ઠંડી અનુભવાય છે. એટલે ઠંડી માટે રાહ જોવી પડશે. ઉત્તર ભારતમાં ઠંડીની શરૂઆત થયા બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થાય છે. કારણ કે, શિયાળામાં ઉત્તર તરફના પવનો ગુજરાત તરફ આવે છે. સૂકા અને ઠંડા પવનો ફૂંકાવવાના કારણે તાપમાન ગગડે છે અને ઠંડીનો અહેસાસ થાય છે. પરંતુ અત્યારે ગુજરાતમાં ઉત્તર-ઉતરપૂર્વના પવનો ફૂંકાય રહ્યા છે, જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.