બોપલમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા ક્રિષ્ના કોમ્પ્લેક્સ ક્વોરન્ટીન
કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં આજે 13 નવા પોઝિટિવ કેસ નોંધાતા શહેરમાં કોરોનાના કુલ 295 દર્દી નોંધાયા છે અને અત્યાર સુધીમાં 13 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે બોપલના એક યુવકને કોરોના પોઝિટિવ આવતા ક્રિષ્ના કોમ્પ્લેક્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે. આ યુવકને રામોલની ફેક્ટરીમાંથી ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે.અમદાવાદ મનપા કમિશનર વિજય નહેરાએ કોરોનાની સિટી અપડેટ આપતા જણાવ્યું કે, છેલ્લા 15 કલાકમાં 12 જેટલા નવા કેસ નોંધાયા છે આ સાથે જ અમદાવાદમાં કુલ 291 પોઝિટિવ કેસ થયા છે. જેમાં સૌથી વધુ 131 કેસ મધ્ય ઝોનમાં અને 78 કેસ દક્ષિણ ઝોનમાં નોંધાયા છે. શહેરમાં કુલ 13 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 10 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 1112 પેસિવ સેમ્પલ અને 4870 એક્ટિવ સેમ્પલ મળી કુલ 5982 સેમ્પલ લેવામાં આવ્યા છે. કોટ વિસ્તારમાં 20604 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં ટેસ્ટ પર મિલિયન 1000 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 1908 હોમ ક્વૉરન્ટીન, 427 કોર્પોરેશનની સુવિધા હેઠળ ક્વોરન્ટીનમાં છે આમ શહેરમાં કુલ 2335 લોકો ક્વૉરન્ટીનમાં છે. આજે વહેલી સવારથી માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 99 ટકા અમદાવાદીઓ માસ્ક અને મોઢે કપડું લગાવ્યા છે. આ માટે શહેરમાં 96 જેટલી ટીમો છે. સવારથી અત્યાર સુધીમાં માત્ર 21 લોકો જ માસ્ક વગર દંડવામાં આવ્યા છે. બધાને 1 હજારનો દંડ કરવામાં આવ્યો છે.