રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 મે 2021 (18:38 IST)

દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ ‘મમ્મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના મટી જશે’

કોરોના મહામારીમાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ છે. જે નથી બદલાયું એ છે લોકોનો સેવાભાવ, લાગણીઓ અને પરિવાર પ્રત્યેનો પ્રેમ. જે વ્યક્તિને દરેક મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ આપે છે. હમેશા એમ કહેવાય છે કે ‘માં સે બઢાં કોઈ યોદ્ધા નહી હોતા’ અને આ ઉકિતને અનેક જનનીઓએ સાર્થક પણ કરી બતાવી છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ છે. વલસાડના ટ્યુશન-ક્લાસીસના ૩૮ વર્ષીય શિક્ષીકા સ્વપ્નાબેન સંદિપભાઈ સેઘાવાલા.
 
વલસાડમાં ૯ વર્ષીય પુત્રી અને પતિ સાથે રહેતા સ્વપ્નાબેને તા.૨૪ એપ્રિલના રોજ ટોનસીલની સમસ્યા અને તાવ જણાતા કોવિડ-૧૯નો રેપિડ ટેસ્ટ કરાવતા પોઝીટીવ હતો. સાથે પરિવારના સભ્યોને ટેસ્ટ કરાવતા નવ વર્ષની પુત્રીનો ટેસ્ટ પણ પોઝીટીવ આવ્યો. પછીના દિવસે અચાનક શ્વાસ લેવામાં વધુ તકલીફ થવા લાગી. 
 
પરિવારે વલસાડમાં આસપાસની હોસ્પિટલોમાં તપાસ કરતા જગ્યા ન મળતા સ્વપ્નાબેનને તત્કાલ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લઇ તેમણે વલસાડથી સુરત એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા. નવ વર્ષની દીકરી કશ્વીને ઘરે હોમ આઈસોલેશનમાં રહીને સારવાર શરૂ કરી. 
 
સિવિલમાં કોરોનાની નિ:શુલ્ક સારવાર મેળવી સ્વસ્થ થયેલા સ્વપ્નાબહેને વધુમાં જણાવ્યું કે, ‘મને તા.૨૫ એપ્રિલના રોજથી શ્વાસ લેવામાં વધુ તકલીફ જણાતા ઓક્સિજન પર લાવવામાં આવી હતી. ત્યારબાદ તબિયત સુધાર જણાતા તા.૩ મે થી નોર્મલ રૂમમાં રાખવામાં આવી. હોસ્પિટલના તબીબોની સતત દેખરેખ, નિયમિત તપાસ અને સમયસરની સારવાર મળી છે. ઘરેથી છુટા પડયા ત્યારે દીકરી કશ્વી કહ્યું કે, મમ્મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના પણ મટી જશે.’ આમ દીકરીના શબ્દોના કારણે મનમાં નવી શકિત અને ઉર્જાનો સંચાર થયો હતો. 
 
તા.૪થી મેના રોજ સ્વપ્ના બહેન કોરોના મ્હાત આપીને ઘરે હેમખેમ પહોપ્યા ત્યારે દીકરીને ૧૦ દિવસ બાદ મળી ત્યારે દીકરીને મળવાનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેમ ન હોવાનું સ્વપ્ના બહેને કહ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલનાં ડો.અમિત ગામિત અને ડો.ઝિનલ મિસ્ત્રી દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવી. જેથી તેઓ ૧૦ દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં કોરોનામુક્ત થયા.