શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 22 માર્ચ 2020 (12:32 IST)

Don't Panic Gujarat ''સાવચેતીના ભાગરૂપે સંપર્કની ચેઇન તોડવામાં આવે તે આવશ્યક''

રાજ્યમાં કોરોનાના સંક્રમણ સંદર્ભે નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ તકેદરી રાખવી એટલી જ જરૂરી છે. રાજ્યનું સંપૂર્ણ વહીવટી તંત્ર નાગરિકોની સાથે છે,ડરવું નહિ, સાવચેત-સતર્ક રહેવું જરૂરી છે. કોરોના સામે લડવા નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે.
 
વડોદરા ખાતે કોરોના રોગ સંદર્ભે પદાધિકારી-ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, સ્થાનિક કક્ષાએ કામગીરી કરવી અને તે કામગીરીનો રિવ્યુ આપવો. જરૂરિયાત જણાય તેવા કિસ્સાઓમાં અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરવી આવશ્યક છે. સંસદ-ધારાસભ્યો અને પદાધિકારીઓએ કેન્દ્ર અને રાજય સરકારના માર્ગદર્શન મુજબ કામગીરી કરવી. કોરોના જીવલેણ નથી પણ વ્યાપક છે. 
 
લોકસંપર્ક ઓછો થાય, ભીડ ઓછી થાય અને કેન્દ્ર અને રાજય સરકારના માર્ગદર્શનનો અમલ થાય તે જરૂરી છે. હાલ રેલ્વે, એસ.ટી. સેવાઓ તેમજ સ્થાનિક વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ૧૩ કેસ પોઝીટીવ હોવાનું ધ્યાને આવ્યું છે જેમાંથી ૧૨ કેસ એવા છે જે પરદેશથી આવ્યા છે. કોરોનાનો ફેલાવો ઝડપથી થઇ રહ્યો છે, તે એકવાર શરૂ થાય પછી રોકવો અઘરો છે.
 
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રીએ ગઇકાલે તમામ રાજયના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. તા.૨૨મીએ જનતા કફર્યુ માટે અપીલ કરી છે તેને સહકાર આપી કોરોના સામે સાવચેતી રાખવાના પગલા ભરવા જણાવ્યું હતુ. કોરોના ફેલાઇ રહ્યો છે ત્યારે નાગરિકોને સતર્ક-જાગૃત્ત રહેવું જરૂરી છે. સાવચેતીના ભાગરૂપે આજથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ફ્લાઇ્ટસ બંધ કરવામાં આવી છે. આ નાગરિકોને સ્વેચ્છાએ પોતાની તપાસ કરાવવા માટે પણ નાયબ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. કોરોના સાવચેતીના ભાગરૂપે સંપર્કની ચેઇન તોડવામાં આવે તે આવશ્યક છે.
 
તેમણે કહ્યું કે, કોરોના સામે સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત છે તે વિસ્તારમાં પાર્કિંગ ન થાય, બે પોલીસ કર્મીઓ વચ્ચે પૂરતું અંતર જળવાઇ અને દાખલ થયા હોય તે અંદરથી બહાર ન જાય અને બહાર હોય તે અંદર રહેલાઓને મળવા ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. તકેદારીના ભાગરૂપે ફરજ પર હોય તેવા મેડિકલ સ્ટાફ સિવાયનાઓને પ્રવેશ ન આપવામાં આવે તે જોવા જણાવ્યું.
 
નિતીન પટેલે કહ્યું કે, આગામી આઠ-દસ દિવસ વધુ ક્રિટીકલ છે આથી તા.૨૨મીએ જનતા કફર્યુ પછી પણ જનતા સ્વૈચ્છિક રીતે જરૂર ન હોય તેવી અવરજવર ઓછી રાખે, ટ્રાફિક ન થાય તેની તકેદારી રાખે. કોરોનાના દર્દી સાથે સંપર્કમાં હોય તેવા નાગરિકો માસ્ક્સ પહેરે, સેનિટાઇઝર અને સાબુનો ઉપયોગ કરવા સહિતના પગલાઓ ભરવા અનુરોધ કર્યો હતો.તેમણે ભારપૂર્વક કહ્યું કે, વડોદરા એ એનઆરઆઇનો જિલ્લો છે. ચરોત્તર પણ નજીકનો વિસ્તાર છે. પ્રવાસીઓની અવરજવર વધુ રહે છે ત્યારે પ્રવાસીઓના આવાગમન પર ધ્યાન રાખવામાં આવે તે પણ જરૂરી છે. 
 
કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, હાલ આરોગ્ય, પોલીસ, મ્યુનિસિપાલિટી, પંચાયત સહિતના વિભાગો-કચેરી સતત સંકલનમાં છે. કોરોના પ્રાથમિક સારવાર માટે એસ એસ જી અને ગોત્રીમાં આઇસોલેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે. સેમ્પલ કલેકશન બી જે મેડિકલ કોલેજ અમદાવાદ મોકલવામાં આવે છે. એસ એસ જી અને ગોત્રી ઉપરાંત ખાનગી હોસ્પિટલ્સમાં પણ સુવિધાઓ ઉભી કરવા સંકલન કરવામાં આવ્યું છે. એસ એસ જી અને ગોત્રી ઉપરાંત દાદા ભગવાન, બાબરીયા, પારુલ સહિતના ખાનગી તથા વરણામા ખાતે ૫૬૨ પથારીઓની સુવિધા હાલ ઉપલબ્ધ છે. જરૂર જણાય ત્યાં કોરેન્ટાઇનની સુવિધા ઉભી કરવામાં આવશે. સ્ટાફને ફરજ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને સઘન તાલીમ આપવામાં આવી છે. કોરેન્ટાઇન માટે લેવામાં આવતી કાળજી વિષયક પગલાઓ વિશે તેમણે વિગતો આપી હતી.
 
વડોદરામાં જાહેર થયેલ કેસમાંથી બે શ્રીલંકાના પ્રવાસે અને એક સ્પેનના પ્રવાસથી પરત ફર્યા હતા. આમના સંપર્કમાં આવ્યા હોય તેવા તમામનું તાત્કાલિક કોરેન્ટાઇન કરાવવામાં આવ્યું છે. લોકોને અનાજ, દૂધ, શાકભાજી-ફળ સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ થશે. દૂધ વિતરણ રાબેતા મુજબ થશે. દૂધના જથ્થામાં૧૫ થી ૨૦ ટકા સુધી વધારો કરી વિતરણ થશે. આવશ્યક ચીજવસ્તુઓના નિયત ભાવથી વધુ રકમ ન લેવામાં આવે તે માટે પગલાઓ ભરવામાં આવશે. 
 
હાલમાં મોલ્સ બંધ રહેશે પરંતુ હાલાકી ન સર્જાય તે માટે અનાજ, દૂધ, શાકભાજી-ફળ સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર નલીન ઉપાધ્યાયે મ્યુનિસિપાલિટી દ્વારા હાથ ધરવામાં આવેલ પગલાઓ વિશે જણાવી જાહેરમાં થૂંકતા હોય તેવા પર દંડ ફટકારી દૈનિક સરેરાશ રૂ.૧ લાખ સુધીનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું જણાવ્યું. શહેર ટ્રાન્સપોર્ટેશન માટે સીટી બસને સેનિટાઇઝ કરવામાં આવી છે અને આગામી બે-ચાર દિવસમાં મુસાફરોને બસમાં સેનિટાઇઝરથી હાથ સાફ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. 
 
શહેરમાં ૮૩૧ એવા પ્રવાસીઓ છે જેમણે તાજેતરમાં વિદેશ પ્રવાસ કર્યો હોય અને ૧૯૦ એવા પ્રવાસી છે જેમણે અસરગ્રસ્ત ૧૭ દેશોનો પ્રવાસ કર્યો હતો. તેમને તપાસ માટે મ્યુનિસિપાલિટીની ટીમ  દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. રસ્તાઓ પર સફાઇ, પાણી છંટકાવ અને ફોગીંગ સહિત સેનિટાઇઝેશન સહિતની કામગીરીની વિગતો જણાવી હતી. આરોગ્યલક્ષી સહિત આવશ્યક હોય તેવી તમામ સેવાઓ માટે મ્યુનિસિપાલિટીના વાહનો સતત ફરજ બજાવશે.    
 
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે કહ્યું કે, હાલમાં કોઇપણ પ્રકારના માધ્યમથી અફવા ન ફેલાય તે માટે કડક પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. ભીડ એકઠી ન થાય તે માટે ટ્રાફિક નિયમન હાલ હળવા કરવામાં આવ્યા છે. નાગરિકોને સ્વૈચ્છિક રીતે જાગૃત્ત બની સહકાર આપવા અને જાહેર મેદાનો પર રમવા ન આવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વિદેશપ્રવાસથી આવ્યા હોય તેમને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અને તપાસ કરાવી લેવા જણાવવામાં આવ્યું છે.