ગુજરાતમાં ચોમાસું શરૂ થયાને દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી સાર્વત્રિક વરસાદ માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે, કેટલીક જગ્યાએ સામાન્ય તો કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદની શક્યતા છે.
જોકે ચોમાસું બેસી ગયું હોવા છતાં હજુ ગુજરાતમાં ઘણી જગ્યાએ વાવણીલાયક વરસાદ વરસ્યો નથી અને ઘણા ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા છે કે જો સારો વરસાદ થાય તો તેઓ વાવણી કરી શકે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો અહીં દાંતા, દાંતીવાડા, દિયોદર અને ડીસા તાલુકામાં પ્રમાણમાં સારો વરસાદ થયો છે. કેટલીક જગ્યાએ વાવણી થઈ શકી છે, જ્યારે બાકીના ઘણા વિસ્તારોમાં હજુ સુધી વરસાદ અપૂરતો છે.
રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં જામકંડોરણામાં વધુ વરસાદ થયો છે. જોકે બાકીના વિસ્તારોમાં પ્રમાણમાં ઓછો વરસાદ છે. આ જિલ્લામાં પણ ઘણા ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે.
ખેડૂત રવિભાઈ રાજકોટ જિલ્લામાં રાણપુરમાં રહે છે અને મગફળી, ડુંગળી, મરચાં વગેરેનું વાવેતર કરે છે. તેમનું કહેવું છે કે તેમના ગામમાં હાલમાં હજુ સુધી સારો વરસાદ થયો નથી. ઘણા ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. જોકે તેમની જમીન પિયતની હોવાથી તેઓ વાવણી કરી શક્યા છે.
તેમના મતે, રાજકોટ જિલ્લાના ગોંડલ, લોધિકા, જસદણ વગેરે તાલુકાનાં ગામોમાં વાવણી થઈ છે. બાકીના વિસ્તારમાં બાકી છે.
જોકે તેઓ કહે છે કે રાજકોટ જિલ્લામાં 50 ટકા ખેડૂતોએ વાવણી કરી નાખી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સાથે વાત કરતા જાણવા મળ્યું કે જિલ્લામાં સાર્વત્રિક કહી શકાય એવો વરસાદ થયો નથી અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જિલ્લાના ઘણા તાલુકા એવા છે જ્યાં વાવણીલાયક વરસાદ થયો નથી.
એવી જ રીતે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી શું છે?
ગુજરાતમાં હાલના સમયમાં ઘણા જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ક્યાંક સામાન્ય તો ક્યાંક મધ્યમ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે.
તો કેટલાક જિલ્લામાં અલગઅલગ જગ્યાએ ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે.
આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા તેમજ સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની ચેતવણી છે.
તેમજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં ચોમાસું ક્યારે જામશે?
હવામાન વિભાગ અનુસાર, મધ્ય ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે, જે સાગરથી 4.5 કિલોમીટર ઉપર ફેલાયેલું છે. આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ માટે અનુકૂળ માનવામાં આવે છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં હાલના સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસું સક્રિય છે. એટલે ત્યાંના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં વરસાદ મોડો કેમ શરૂ થયો એનાં કારણોમાં ડૉ. મનોજ લુણાગરિયા કહે છે કે ગુજરાતમાં આ વખતે આમ પણ ચોમાસું મોડું શરૂ થયું છે.
તેમના મતે, "વર્ષ દરમિયાન વરસાદમાં આવી અનિયમિતતા આવતી હોય છે. એટલે ક્યાંક વધુ વરસાદ પડી જાય છે, તો ઘણા દિવસો સુધી વરસાદ પણ ન પડે એવું પણ થતું હોય છે."
આ પરિસ્થિતિ માટે જળવાયુ પરિવર્તન સીધી રીતે અસર ન કરતું હોવાનું જણાવી તેઓ કહે છે કે એ ખરું કે જળવાયુ પરિવર્તનને લીધે તેમાં (વરસાદની અનિયમિતતા) થોડો વધારો થયો છે.
ગુજરાતમાં વરસાદની બદલાયેલા પરિસ્થિતિ અંગે તેઓ કહે છે કે "આપણે ત્યાં હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ થાય છે, એક સમયે ત્યાં દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાતી હતી. જોકે ત્યાં પણ ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક નહિવત્ વરસાદ પડે છે."