બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 6 જૂન 2024 (09:47 IST)

ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત, કયા જિલ્લામાં આગાહી, વાવણીલાયક વરસાદ ક્યારે થશે?

monsoon update
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજથી જ હવામાન પલટાવાની શરૂઆત થઈ જશે.
 
હાલ ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગોવા સુધી પહોંચી ગયું છે, મુંબઈમાં પણ 5 જૂનથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એટલે બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.
 
હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં હવે ગણતરીના દિવસોમાં વરસાદની શરૂઆત થઈ જશે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વાવાણીલાયક વરસાદની રાહ જોવાતી હોય છે.
 
રાજ્યમાં થોડા દિવસ પહેલાં જ ભીષણ ગરમી પડી રહી હતી, જે બાદ ઝડપી પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને હવે થોડા જ દિવસોમાં ચોમાસું ગુજરાત સુધી પહોંચી જશે.
 
ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?
 
ગુજરાતમાં આજથી એટલે કે 6 જૂનની આસપાસથી જ ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓ શરૂ થઈ જશે. સૌથી પ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટાશે અને વરસાદની શરૂઆત થશે.
 
જે બાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શરૂઆત થવાની સંભાવના છે, શરૂઆતમાં હળવો અને છુટોછવાયો વરસાદ થશે જે બાદ વરસાદનું પ્રમાણ વધશે.
 
6 અને 7 જૂનના રોજ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ તથા સૌરાષ્ટ્રના દરિયાકિનારા તરફના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે.
 
8 જૂનથી વરસાદનો વિસ્તાર વધશે ઉપરોક્ત જિલ્લા સિવાય ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર તથા આણંદ, પંચમહાલ, વડોદરામાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.
 
9 તારીખથી વરસાદનું પ્રમાણ અને વિસ્તારો પણ વધવાની સંભાવના છે, આ દિવસથી અન્ય જિલ્લાઓમાં વરસાદ પહોંચશે અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ અને ક્યાંક થોડો વધારે વરસાદ પડવાની સંભાવના છે.
 
જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ તથા જૂનાગઢ જિલ્લામાં હળવો અને છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.
 
ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને તે તરફના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ થવાની શક્યતા છે. ચોમાસાની શરૂઆત સાથે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાવણીલાયક વરસાદ થઈ શકે છે.
 
ચોમાસું ક્યાં પહોંચ્યું અને ગુજરાત ક્યારે પહોંચશે?
 
કેરળમાં શરૂઆત થયા બાદ ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે અને આવનારા બેથી ત્રણ દિવસોમાં હવે મહારાષ્ટ્રમાં તેની એન્ટ્રી થઈ જશે.
 
હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું હજી પણ ઝડપથી આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે અને આગામી 3 દિવસમાં તે મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે.
 
મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ ગુજરાતમાં ત્રણથી ચાર દિવસમાં ચોમાસું પહોંચી જતું હોય છે, સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે.
 
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 15 જૂનની પહેલાં ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
પ્રથમ વરસાદમાં ગાજવીજની ચેતવણી
હવામાન વિભાગે વરસાદની આગાહીની સાથે સાથે ગાજવીજની પણ ચેતવણી આપી છે. જે વિસ્તારોમાં વરસાદ થશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.
 
ચોમાસાની શરૂઆતનો વરસાદ સામાન્ય રીતે થોડો તોફાની વરસાદ હોય છે, ક્યારેક ઝડપી પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ આવતો હોય છે.
 
વરસાદ અને ગાજવીજની આ સ્થિતિમાં સાવચેત રહેવું જરૂરી છે અને વીજળી થતી હોય તો સુરક્ષિત જગ્યાએ સહારો લઈ લેવો. રાજ્યમાં દર વર્ષે વીજળી પડવાની ઘટનાઓ બને છે અને એમાં કેટલાક લોકોનાં મોત પણ થાય છે.
 
વીજળી પડવાની ઘટનામાં ડિઝાસ્ટર મૅનેજમેન્ટે જારી કરેલી ગાઇડલાઇન પ્રમાણે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી
 
ઊંચી ઇમારત અથવા કારની અંદર રહો.
ખુલ્લા વિસ્તારોથી દૂર રહો.
જો તમારી પાસે છુપાવા માટે કોઈ જગ્યા નથી તો તમારા શરીરને જેમ બને તેમ નાનું બનાવી દો, જેમ કે નીચે બેસી જાઓ, હાથને ઘૂંટણ પર રાખો અને માથું તેમાં છુપાવી દો.
ઊંચાં વૃક્ષોની નીચે ઊભા ન રહો.
જો તમે પાણીની અંદર છો, તો જેમ બને તેમ જલદી કિનારા પર આવો.