બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , શનિવાર, 1 જૂન 2024 (16:53 IST)

ગાંધીનગર જિલ્લાનાં ચાર સ્થળોએ કોલેરા ફાટી નીકળતા આરોગ્ય તંત્ર દોડતું થયું

Cholera
જિલ્લાના ચાર સ્થળોએ કોલેરાનો હાહાકાર મચ્યો છે.જેના પગલે ગાંધીનગર જિલ્લા કલેકટરે દહેગામના અર્બન એરિયા, ચિલોડા સિહોલી જીઈબી રોડથી છાપરા,કલોલના રામદેવપુરા વાસ, ગાયનો ટેકરા વિસ્તાર તેમજ પેથાપુરમાં નવા વણકર વાસ આંબેડકર હોલ આસપાસના બે કિ.મી વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરી આરોગ્યની 40 ટીમોને સઘન સર્વેલન્સ હાથ ધરવાની સૂચનાઓ પણ આપી દેવાઈ છે. અત્યાર સુધીમાં છૂટાછવાયા 5 જેટલા દર્દીઓના કોલેરા રીપોર્ટ પોઝિટીવ આવતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
 
આરોગ્યની 40 ટીમોને સઘન સર્વેલન્સ સારવારની સૂચનાઓ આપી
ગાંધીનગર જિલ્લાના ચાર સ્થળોએ ઝાડા ઉલ્ટીના કેસોમાં ઉછાળો આવતાં ગઈકાલે રાત્રે જિલ્લા કલેકટર દ્વારા દહેગામના અર્બન એરિયા, ચિલોડા સિહોલી જીઈબી રોડથી છાપરા, કલોલના રામદેવપુરા વાસ,ગાયનો ટેકરા વિસ્તાર તેમજ પેથાપુરમાં નવા વણકર વાસ આંબેડકર હોલ આસપાસના બે કિ.મી વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરી આરોગ્યની 40 ટીમોને સઘન સર્વેલન્સ સારવારની સૂચનાઓ આપી દેવાઈ છે. કલેકટર દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારો માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જિલ્લા કલેકટર મેહુલ દવેએ તાત્કાલિક અસરથી આ વિસ્તારોને કોલેરગ્રસ્ત જાહેર કરી પ્રાંત ઓફિસર કલોલ અને ગાંધીનગરના પ્રાંત ઓફિસરને તાત્કાલિક આ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી પગલાં ભરવા આદેશ આપ્યા હતા. 
 
આરોગ્ય અધિકારીની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી
અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રાંત ઓફિસર ઉપરાંત સંબંધિત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ આરોગ્ય અધિકારીની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગઈ હતી. અને તાત્કાલિક અસરથી જરૂરી કાર્યવાહી આરંભી હતી. ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં આ રોગચાળા સંદર્ભે રાખવાની સાવચેતી અંગે લોકોને જાગૃત કરી માહિતગાર કરવામાં આવ્યા હતા અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા, પીવાના શુદ્ધ પાણીનો ઉપયોગ અને જરૂર પડે ઉકાળેલું પાણી પીવા લોકોને સમજાવવામાં આવ્યા હતા.છેલ્લા સપ્તાહથી ઉપરોક્ત વિસ્તારોમાં ઝાડા ઉલ્ટીના છૂટાછવાયા દર્દીઓ સામે આવવાનું શરૂ થઈ ગયું હતું. જેઓએ સરકારી  ખાનગી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તકેદારીનાં ભાગરૂપે ઉપરોક્ત વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરી આરોગ્ય ટીમોને દોડતી કરી દેવાઈ છે.